સુરતમાં આપના બે કોર્પોરેટરો સામે ૧૦ લાખ લાંચ માંગ્યાની ફરિયાદ

આમ આદમી પાર્ટી વિવાદોનું ઘર બની ગઈ હોય એવું લાગે છે. એક પછી એક ઘણા નવા વિવાદો સામે આવી રહ્યાં છે. ત્યારે ફરી એક વાર સુરતના આપના બે કોર્પોરેટર સામે લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે.

બનાવની વિગતો જોઈએ તો, સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના બે કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે. આપ કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરાઈ છે. કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ૧૦ લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

જણાવી દઈએ કે, પે એન્ડ પાર્ક ના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોડગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે. આમાં મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બીજી તરફ આ મામલે જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયાના નિવેદન સામે આવ્યા છે. જીતેન્દ્ર કાછડીયાએ જણાવ્યું કે, “પાકગ માફિયાઓ વિરુદ્ધ અમે કરેલી ફરિયાદને દબાવવા આવા ખોટા આરોપ કરીને અમારી પ્રતિષ્ઠા ખરાબ કરવાની કોશિષ કરે છે” આ તદ્દન ખોટા અને પાયાવિહોણા આરોપ છે. જયારે વિપુલ સુહાગીયાનું કહેવું છે કે, “પાકગ માફિયાઓના ગેરકાયદે ધંધા બંધ થઇ જવાની બીકે ફરિયાદ કરેલ છે. ભૂતકાળમાં મેં આવા અનેક ગેરકાયદે કામો બાબતે ફરિયાદ કરી છે જેને લઈને આવી ફરિયાદો કરીને અમને પ્રેશર આપે છે”.