સુરતમાં ૫૦૦ અને ૧૦૦૦ની રદ થયેલી ૭૫ લાખની નોટો સાથે ૪ આરોપીને ઝડપ્યા

ડુમસ વિસ્તારમાં આવેલ ભીમપોર ગામમાંથી પોલીસે રદ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ ના દરની જૂની ચલણી ૭૫ લાખની નોટો સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. ડુમસ પોલીસને માહિતી મળી હતી કે, ભીમપોર ગામમાં આવેલ એક મકાનમાં કેટલાક ઈસમો દ્વારા ચલણમાંથી રદ કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ ના દરની મોટા પ્રમાણમાં નોટો સંગ્રહ કરી રાખવામાં આવી છે.

જે માહિતી ના આધારે પોલીસે અહીં છાપો મારી ચલણમાંથી રદ થયેલી ૫૦૦ ના દરની ૧૪૦૦૦ અને ૧૦૦૦ ના દરની ૫૦૦ જેટલી નોટો સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં નરેશ રણછોડ પટેલ,વિનીત રજનીકાંત દેસાઈ,મોહમ્મદ સાદિક મોહમ્મદ સફી શેખ અને મનીષ રાજપૂત ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા તમામ લોકો જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે.આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ નોટો અગાઉ બદલી ન શકવાના કારણે અહીં સંગ્રહ કરી રાખવામાં આવી હતી.જે અંગેની વધુ તપાસ ડુમસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી નામદાર કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.