સુરતમાં ૪૯ ચપ્પુના ઘા મારેલી લાશનો ભેદ ઉકેલાયો, ગર્લફ્રેન્ડ રૂપિયા માંગતી હોવાથી બોયફ્રેન્ડે મારી નાંખી

સુરત,

સુરતના અમરોલી સાયણ રોડ અંજની ઇન્ડસ્ટ્રી પાસે પખવાડિયા પહેલા એક યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચને ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. આ યુવતીને તેના જ પ્રેમીએ ઘાતકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી યુવતી પ્રેમી પાસેથી રૂપિયાની માંગ કરી રહી હતી, જે વાતને લઈને પ્રેમીએ ચપ્પુના ૪૯ જેટલા ઘા મારી હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અમરોલી સાયણ રોડ અંજની ઈન્ડસ્ટ્રીયલમાં ગત ૨૮ નવેમ્બરના રોજ અવાવરું ખેતરમાંથી અજાણી મહિલાની લાશ મળી હતી. મહિલાના આખા શરીરે ચપ્પુના ૪૯ જેટલા ઘા ઝીંકાયા હતા. મહિલાની અત્યંત ઘાતકીપૂર્વક હત્યા કરાઈ હતી. આ બનાવની તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્ક્વોડની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલસન્સના આધારે કોસાડ આવાસ એચ-૩ બિલ્ડિંગના ગેટ પાસેથી જગન્નાથ ઉર્ફે જગ્ગા નબી ઉર્ફે રવિ ગૌડાને ઝડપી લીધો છે. સુરતમાં છેલ્લા ૧૦ વર્ષથી રહેતો અપરણિત જગન્નાથ ઉર્ફે જગ્ગા હાલ કોસાડ આવાસમાં પોતાના પરિવાર સાથે રહે છે અને અંજની ઇન્ડસ્ટ્રીયલ ખાતે લાલા શેઠના વોટરજેટ મશીનમાં બોબીન ભરવાનું કામ કરે છે. તેની પુછપરછ કરતા જે મહિલાની તેણે હત્યા કરી હતી તે તેની પરિણીત પ્રેમિકા કુનીદાસ સીમાદાસ હતી.

જગન્નાથ ઉર્ફે જગ્ગા ત્રણ વર્ષ અગાઉ વતન ગયો હતો ત્યારે તેની મુલાકાત તેની બાજુના ગામમાં રહેતી કુનીદાસ સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓ મોબાઈલ ફોનથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. જોકે, કુનીદાસ પ્રેમી જગન્નાથ ઉર્ફે જગ્ગાને પોતાની સાથે સુરત લઈ જવા અને પૈસા માટે વારંવાર દબાણ કરતી હતી. પરંતુ તે પોતાના સમાજની ન હોય અને તેને રાખવા માટે પોતાની પાસે કોઈ વ્યવસ્થા ન હોય તેનાથી કંટાળેલા જગન્નાથે તેના હત્યાની યોજના બનાવી હતી.

હત્યાના પ્લાનિંગ મુજબ, બે પખવાડીયા અગાઉ તે ઓરિસ્સા ગયો હતો. ત્યાં કુનીદાસ પતિને બેંગ્લોર કામ માટે જાઉં છું કહી ઘરેથી નીકળીને જગન્નાથ ઉર્ફે જગ્ગા સાથે નીકળી હતી. જગન્નાથ ઉર્ફે જગ્ગા તેને ટ્રેનમાં સુરત લાવ્યો હતો અને યોજના મુજબ તેને સીધા અવાવરું ખેતરમાં લઈ જઈ અગાઉથી પોતાની સાથે રાખેલા ચપ્પુના ૪૯ ઘા મારી હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ ધરી છે.