
સુરત,હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ૪૫ વર્ષીય યુવકનું સવારે છાતીમાં દુખાવો થતાં ઘરમાં ખુરશી પરથી ઢળી પડ્યા બાદ મોત થયું હતું. પરિવારજનો હોસ્પિટલ લઈને પહોંચતા તબીબે મૃત જાહેર કર્યા હતા.
નાની વયમાં અચાનક છાતીમાં દુ:ખાવો કે બેભાન થયા બાદ મોત થઈ રહ્યા હોવાના વધેલા બનાવો વચ્ચે સુરતમાં વધુ એક યુવકનું મોત થયું છે. ભેસ્તાન વિસ્તારમાં ૪૫ વર્ષીય ડકુઆ રંકનિધિ ર્ક્તિન ભૈરાબ પરિવાર સાથે રહેતા હતા અને લુમ્સ ખાતામાં કામગીરી કરતા હતા. પરિવારમાં ત્રણ સંતાન છે.
ડકુઆ રંકનિધિને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આજે સવારે પાંચ વાગ્યે ઉઠ્યા બાદ પ્રથમ ટોયલેટ ગયા હતા, ત્યારબાદ ખુરશી પર બેઠા હતા. આ દરમિયાન છાતીમાં દુ:ખાવો થતા થોડીક ક્ષણોમાં જ ખુરશી પરથી ઢળી પડ્યા હતા. જેને લઈને પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ લવાયેલા ડકુઆ રંકનિધિને ફરજ પરના તબીબે જાહેર કર્યા હતા. અચાનક હાર્ટ અટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મૃતકના પુત્ર પિન્ટુએ જણાવ્યું હતું કે, પિતાનું છાતીમાં દુ:ખાવા બાદ હાર્ટ એટેકથી મોત થયું છે. અમને બીજી કોઈ શંકા પણ નથી. પોલીસે પણ પરિવારના નિવેદન લઈને વધુ કામગીરી હાથ ધરી છે.
છેલ્લા થોડા દિવસોમાં પાંચથી વધુ લોકોના મોત થયા છે. આ તમામમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા છે. રોજબરોજ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પોસ્ટમોર્ટમમાં પણ પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની જ આશંકા દર્શાવવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે.
અગાઉ થયેલા શંકાસ્પદ મોતના નામ
કનકપુર, કંસાડ સ્થિત ગુ. હા. બોર્ડમાં રહેતી નેનાબેન શૈલેષભાઈ રાઠોડ (ઉં.વ. ૪૦)
સિંચન ખાતે નિલક સોસાયટીમાં રહેતો વિકાસ જગદીશ લાખલાન (ઉં.વ. ૨૭)
ગોડાદરા ખાતે પ્રિયંકા મેગા સિટીમાં રહેતો રામજી રામુ મહંતો (ઉં.વ. ૩૪)
ગોડાદરામાં આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતો શ્રીનિવાસ હરીશ શ્રીગડે (ઉં.વ. ૪૨)
ડભોલી રોડ સ્થિત હરિનગરમાં રહેતો વેશ કાનજીભાઈ મોરડિયા (ઉં.વ. ૩૪)