સુરત,સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરમાં શ્ર્વાને વધુ એકનો ભોગ લીધો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વૃદ્ધને ચાર મહિના અગાઉ રખડતા કૂતરાએ બચકું ભરી લીધું હતું. જે બાદ તેઓએ રસી લીધી ન હતી. બે દિવસ અગાઉ વૃદ્ધમાં હડકવાના લક્ષણો દેખાયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. વૃદ્ધના મૃત્યુ અંગે તબીબનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હડકવા થયા પછી સારવાર શક્ય નથી. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સુરતમાં રખડતા કૂતરાઓના ટોળાએ એક માસુમ બાળકનો જીવ લીધો હતો.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ૬ વર્ષનો સાહિલ તેના માતા-પિતા સાથે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર હાજર હતો. બાળકના માતા-પિતા તેમના કામમાં વ્યસ્ત હતા. ૨૨ માર્ચે બપોરે ૧ વાગ્યાની આસપાસ જ્યારે બાળક રમી રહ્યો હતો, ત્યારે શ્ર્વાનોના ટોળાએ તેના પર હુમલો કર્યો. કૂતરાઓએ બાળકના શરીરને ખરાબ રીતે ફાડી નાખ્યું. જે બાદ બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. સાહિલના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં શોક છવાયો હતો.