
સુરત, સુરતમાં એસજીએસટીની ટીમે ૩૦ સ્થળોએ અચાનક દરોડા પાડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો છે. આ દરોડામાં ઓનલાઇન વેપાર કરતાં નવ વેપારીને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. નવ વેપારીઓની પેઢીઓના ૩૦ સ્થળે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ વેપારીઓએ ઓછો ટેક્સ ભર્યો હોવાનો તેમના પર આરોપ છે.
એસજીએસટીના દરોડામાં બહાર એવું આવ્યું છે કે આ વેપારીઓએ ચોપડા પર તો ૧૨થી ૧૮ ટેક્સ દર્શાવ્યો હતો, પરંતુ ટેક્સ ભરવાનો આવ્યો ત્યારે તે માંડ પાંચ ટકા ટેક્સ જમા કરાવતા હતા. આ સિવાય પાછા તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ૧૨થી ૧૮ ટકા ટેક્સ પર લેતા હતા. આમ તેઓ ટેક્સ ઓછો ભરીને પૂરેપૂરી આઇટીસી મેળવતા હતા.આના પગલે એસજીએસટીની ટીમે આ વેપારીઓને ત્યાંથી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ડેટા પણ લીધો છે. તેની સાથે તમામ ડેટાનું વેરિફિકેશન હાથ ધર્યુ છે. એસજીએસટીની ટીમને વિશ્ર્વાસ છે કે મોટાપાયા પર કરચોરી બહાર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે સરકાર જીએસટીનો અમલ ૨૦૧૭માં શરૂ થયો તેનો દાયકો ૨૦૨૭માં પૂરો થાય તે પૂર્વે જીએસટીની સરેરાશ માસિક આવક બે લાખ કરોડ પર લઈ જવા માંગે છે અને આ આવક દર વર્ષે સરેરાશ ૧૨થી ૧૩ ટકાના દરે વધી રહી છે ત્યારે તે આ પ્રકારે કરચોરી કરનારાઓ પર ત્રાટકીને કરચોરો પ્રત્યેનો ગાળિયો વધુને વધુ આકરો બનાવી રહી છે. જીએસટીના દરોડા આનો જ એક હિસ્સો છે.