શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા પાર્દેશ્ર્વર મહાદેવ મંદિરને નિશાન બનાવી તસ્કરો માત્ર ૨૦ મિનિટની અંદર છ જેટલી દાન પેટીઓ તોડી રોકડ રકમ સહિતની મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે. જે સીસીટીવી ફૂટેજના આધારે પાલ પોલીસ દ્વારા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. લૂંટ,હત્યા,ચોરી, મોબાઈલ સ્નેચિંગ જેવી ઘટનાઓનો ગ્રાફ દિનબદીન વધતો જઈ રહ્યો છે. પોલીસની રાત્રી પેટ્રોલીંગની કામગીરીનો અભાવ અને ગુનેગારો પ્રત્યે પોલીસનો ઢીલી પકડના કારણે ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે. જેના પરિણામે સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. આ વચ્ચે સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના પાર્દેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. મંદિરના પૂજારી બટુકગીરી મહારાજના જણાવ્યા મુજબ મળસ્કેના સમય દરમ્યાન બે જેટલા તસ્કરોએ મંદિરના પાછળના ભાગેથી મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પોતાની જોડે રહેલા સાધનો વડે મંદિરના મુખ્ય દ્વારનો લોક તોડી પ્રવેશ કર્યા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.માત્ર ૨૦ મિનિટની અંદર જ મંદિરમાં રહેલી ૬ જેટલી દાન પેટીઓને નિશાન બનાવી તેમાં રહેલી દાનની રકમ પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.
જોકે મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બંને તસ્કરો કેદ થયા હતા. મંદિરમાં રહેલી અલગ અલગ જ તે દાન પેટીઓને તોડી તેમાંથી રોકડ રકમની મત્તાની ચોરી કરતા તસ્કરોની તમામ ગતિવિધિઓ આ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી હતી. બનાવ અંગેની જાણકારી મંદિરના પૂજારી દ્વારા પાલ પોલીસને કરવામાં આવી હતી.જ્યાં પાલ પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હમણાં સુધી તો તસ્કરો દુકાનો, ઓફિસ અને મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પરંતુ સુરતમાં પરિસ્થિતિ હવે એવી જોવા મળી રહી છે કે, તસ્કરોએ ભગવાનના મંદિરોને પણ બાકાત રાખ્યા નથી. જ્યાં કહેવું દુ:ખદ છે કે, હવે ભગવાનના મંદિરો પણ સલામત રહ્યા નથી. મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાએ સ્થાનિક પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ઉઘાડી પાડી દિધી છે. ભક્તો માટે ધામક આસ્થાનું સ્થાન ગણાતા મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટના બાદ ભક્તોમાં પણ રોશની લાગણી પ્રવર્તી રહી છે. જ્યાં તાકીદે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા તસ્કરોની ધરપકડ થાય તેવી માંગ મંદિરના પૂજારી અને ભક્તો કરી રહ્યા છે.