સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાત્રે આગાહી પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો. સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જયારે જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે જ 32 જેટલા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
સુરત જિલ્લામાં રાત્રે 11 વાગ્યાથી ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 12 ઈંચ ખાબક્યો હતો. જયારે બારડોલીમાં 8 ઈંચ, પલસાણામાં 6 ઈંચ, ચોર્યાસીમાં 5 ઈંચ, માંડવીમાં 4 ઈંચ, ઉમરપાડા અને સુરત સિટીમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો.
સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે 32 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતા બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ બારડોલીના 17 રસ્તા બંધ છે. જયારે મહુવાના 10 રસ્તા બંધ છે. આ સાથે પલસાણાના 4 અને માંડવીનો એક રસ્તો બંદથ થઈ ગયો છે.