સુરત, સુરતના અમરોલીમાંથી લાપતાં થયેલી કિશોરીની તપાસમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. કિશોરીને શોધી કાઢ્યા બાદ કરાયેલી પૂછપરછમાં જ્યોતિની મહિલા તેને બ્યૂટીપાર્લરમાં કામ અપાવવાનું કહી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીક્ત જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસમાં જ્યોતિ અસલમાં મોનીરાખાતુન હોવાનું સામે આવ્યું છેજેની ધરપકડ પોલીસે કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાપરાભાઠામાં રહેતા યાદવ પરિવારની ૧૪ વર્ષની દીકરી ગત ૧૧મી માર્ચના રોજ લાપતાં થઈ ગઈ હતી. માતાએ આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કિશોરીને એક મહિલા બ્યૂટી પાર્લરમાં કામ કરવા ગયા બાદ કિશોરી પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો હતો.
લાપતા કિશોરીના મોબાઇલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરતાં કિશોરી અને તેને લઇ જનારને શોધી કાઢવામાં આવી હતી. પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી હતી. કિશોરી ને લઇ જનાર જ્યોતિ વાસ્તવમાં મોનીરાખાતુન હોવાનો પર્દાફાશ થયો હતો. ૨૬ વર્ષીય મોનીરાખાતુન પશ્ર્ચિમ બંગાળના સંગ્રામપુરની વતની તથા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે રહે છે. જ્યોતિ તરીકે ઓળખ આપનારી મોનીરાખાતુન કિશોરીને બ્યૂટી પાર્લરમાં કામ અપાવવાનું કહી લઇ ગઇ હતી.
પોતાના ઘરે લઇ ગયા બાદ તે કિશોરીને બ્યુટીપાર્લરનું કામ શીખવાડવાના બદલે ટૂંકા કપડા પહેરાવી અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી તેનો વીડિયો બનાવતી હતી. અહીં મોનીરાખાતુન સાથેની અન્ય એક મહિલાના પતિએ ૧૪ વર્ષની કિશોરી ઉપર બળાત્કાર પણ ગુજાર્યો હતો. બાળકીને ડરાવી ધમકાવી ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજસ્થાન લઇ જવાઇ હતી જ્યાં એક હોટેલમાં રાખી કિશોરી પાસે બળજબરીથી વેશ્યાવૃત્તિ તરફ ધકેલી હતી. બાળકીના ડાન્સનો વીડિયો ગ્રાહકોને બતાવી દેહના સોદા કરાતાં હતાં. પાંચ-છ દિવસમાં તેણીને પંદરથી વધુ હવસખોરોની હવસ સંતોષવા ફરજ પડાઇ હતી.
કિશોરી આ કેફિયત બાદ પોલીસે અપહરણના કેસમાં પોક્સો અને બળજબરીથી દેહવિક્રય કરવાની કલમનો ઉમેરો કરી મોનીરાખાતુન સાકીલ હલદર, રિયા ઉર્ફે મોહિમા, કિશોરી પર બળાત્કાર ગુજારનાર મોહિમાના પતિ સૈદુલ તથા રાજસ્થાનમાં દેહના સોદા કરનાર ત્રણ મળી કુલ છની ધરપકડ કરી હતી. આ તમામના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કિશોરી એ પોલીસને જણાવ્યું હતું કે તેને ૨૫થી ૩૦ હજાર કમાણી થશે એમ કહી જ્યોતિએ રેલવે સ્ટેશન બોલાવી હતી. સ્ટેશનથી તેણીને પાંડેસરા લઇ જવાઇ હતી. જ્યાં તેણીને રીયાના ટૂંકા કપડાં પહેરાવી ડાન્સ કરાવાયો હતો. જ્યોત્સનાએ જણાવેલી હકીક્તના આધારે મોનીરાખાતુનની કડકાઇથી પૂછપરછ કરાઇ હતી. જેમાં બહાર આવેલી માહિતીના આધારે કિશોરીના દેહના સોદા કરનારા હોટેલ સંચાલક સમીર સલીમ કુરેશી, રાહુલ રામસ્વરૂપ ટેલર, આરીફખાન સાદીકખાન ખાનની ધરપકડ કરાઇ હતી.