સુરત, શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટના સતત વધી રહી છે. ત્યારે શહેરના ઉમરા વિસ્તારમાંથી ચોરીનો ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૧૩ વર્ષનો કિશોર વોશરૂમના કાચ તોડીને ફ્લેટમાં ઘૂસ્યો હતો અને સોનાના દાગીના અને પૈસા સહિત કુલ ૧૦ લાખની ચોરી કરી છે. જણાવી દઈએ કે, પોલીસે સગીર આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો જોઈએ તો, આ ઘટના શહેરના ડુમસ રોડના રહેણાંક વિસ્તારમાં બની હતી. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વાસ્તુ લક્ઝૂરીયા બિલ્ડીંગના ફ્લેટમાં રહેતા પ્રિયકાં ધર્મેશભાઈ કોઠારીએ ૨૮ એપ્રિલના રોજ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પ્રિયંકા તેના પરિવાર સાથે બપોરે બહાર ગઈ હતી. જ્યારે તે રાત્રે ૮ વાગ્યે ફ્લેટ પર પાછી ફરી ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો.
પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.આ અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સગીરનો ભાઈ ફ્લેટના માલિકને ત્યાં નોકરી કરે છે. જેથી મોટાભાઈએ નાનાભાઈને ૨ મહિના પહેલા રાજસ્થાનથી સાથે લઈને આવ્યો હતો. સગીરને નવો મોબાઈલ ગેમ રમવા માટે જોઈતો હતો માટે તેણે ચોરીને અંજામ આપ્યો હતો.
આરોપી સગીરે ત્રીજા માળે પાઇપથી નીચે ઉતરી પહેલા માળે આવીને જીવ જોખમમાં નાંખીને વેન્ટિલેશનની દોઢ બાય દોઢ ફૂટની બારીમાંથી વેપારીના ફ્લેટમાં ઘૂસ્યો હતો. આ દરમિયાન તે બેડરૂમમાં આવ્યો હતો, જ્યાં તેણે ડ્રોઅરમાં રાખેલી સોનાની ચેઈન, વીંટી અને બ્રેસલેટ વગેરેની ચોરી કરી હતી. આ ઉપરાંત રૂ.૧૦,૦૦૦ રોકડા સહિત કુલ રૂ.૮.૯૪ લાખ રૂપિયાની ચોરી કરી હતી.
સીસીટીવી કેમેરા તેમજ ટેકનીકલ એનાલિસિસ ઉપરાંત એફએસએલની ટીમની મદદથી ગુનાની જગ્યા પર ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એફએસએલના સ્ટાફે બાથરૂમમાં ફિંગરપ્રિન્ટ જોઇ નાના બાળકના હોવાનું લાગ્યું હતું. આથી પોલીસે નાના બાળકો રહેતા હોય તેવા ફ્લેટની તપાસ કરી હતી. જેમાં ૧૩ વર્ષના સગીરની પૂછપરછ કરી હતી અને ચોરીની કબૂલાત કરી હતી.
સગીર પાસેથી સોના-ચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમ સહિત કુલ ૮.૯૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.હાલ પોલીસે સગીરે ચોરી કરેલા તમામ દાગીના અને રોકડ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.