
સુરત,પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી લેતાં ત્રણ રીઢા આરોપીઓને સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન પુણા પોલીસ સ્ટેશન તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જ્યારે આ ત્રણ આરોપીઓની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓના નામ સામે આવતાં તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી લોકોના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી લેતી ગેંગના ત્રણ આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. આ ત્રણ આરોપીઓમાં આસિફ ઉર્ફે અહીંયા, અફઝલ ઉર્ફે ખજૂર અને ઇમરાન ઉર્ફે સોનુનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલી ઓટો રીક્ષા, એક મોપેડ અને રોકડા રૂપિયા ૫૫ હજાર જપ્ત કરવામાં આવ્યા છે. આ ત્રણ આરોપીઓની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓના નામ સામે આવતાં તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
સલાબતપુરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતાં પુણા અને સલાબદપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અફઝલ ઉર્ફે ખજૂર સામે પુણા પોલીસ સ્ટેશનમાં એક, લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક અને અન્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે. આરોપી ઈમરાન સામે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો.
સામે આવતી માહિતી મુજબ, આરોપીઓએ બચતના પૈસામાંથી એક ઓટો રીક્ષા ખરીદી હતી અને ત્યાર બાદ મુસાફરોને આ રિક્ષામાં બેસાડતા હતા અને અન્ય એક આરોપી રીક્ષાની પાછળ પાયલોટિંગ કરતો હતો. ત્યાર બાદ આરોપીઓ સાથે મળીને રીક્ષામાં રહેલા પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરતા હતા અને ત્યાર બાદ રીક્ષાની આગળ પાછળ પાયલોટીંગ કરી રહેલા સાગરીતને તેઓ આ પૈસા આપી દેતા હતા. હાલ પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.