સુરતમાં એક્સામટે ૨૫૦ જેટલી શાળાઓને સીલ કરી છે. હાઈકોર્ટના કડક વલણ બાદ શાળાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી. પાલિકાએ શાળાનું વેકેશન પૂર્ણ થતા પહેલા જ ૨૫૦ શાળાઓને સીલ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. જણાવી દઈએ કે શાળાઓનું વેકેશન ૧૩ જૂને પુર્ણ થઈ રહ્યું છે. હવે સીલ કરવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ કયાં ભણશે અને આગળ શું થશે તે વિદ્યાર્થીઓ માટે અનિશ્ર્ચિતતાની સ્થિતિ છે.
હાઈકોર્ટના વલણ બાદ પાલિકાએ શાળાઓ સીલ કરતા દોઢ લાખ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ૨૫૦ શાળામાં અભ્યાસ કરનાર દોઢ લાખ વિદ્યાર્થીઓને ખબર નથી કે સ્કૂલ ચાલુ થશે કે નહીં. શાળાઓ પાસે બીયુ પરમીશન ન હોવાથી સીલ કરવામાં આવી. શાળાઓ સીલ કરાતા વિદ્યાર્થીઓને નુક્સાન ના થાય માટે સરકારની દરમ્યાનગીરી માટે મેયર,ડીઇઓ સહિતનું તંત્ર કામે લાગ્યું છે. એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે સ્કૂલોને બે મહિનાનો સમય આપવા અમે સરકારમાં આ અંગે રજૂઆત કરી છે.
અગાઉ વર્ષ ૨૦૨૨માં સુરતમાં બીયુ પરવાનગી અને રમતના મેદાનને લઈને માનવ આયોગમાં આરઆઇટી કરાતા શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા ૫૨ શાળાઓ સીલ કરી હતી. એક્સામટે ૫૨ શાળાઓને સીલ કરતા ૫૦ હજાર જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું હતું. જ્યારે આજે હવે તેનાથી પણ આકરી કાર્યવાહી કરતા ૨૫૦ શાળાઓને સીલ કરવામાં આવી. હાલમાં હાઈકોર્ટની ફટકાર બાદ સુરતની પાલિકાએ પુણા, ક્તારગામ, લિંબાયત, વરાછા, અઠવા, ઉધના સહિતના વિસ્તારોની અંદાજે ૨૫૦થી વધુ સ્કૂલોને સીલ મારી દીધા છે. આ સ્કૂલો પાસે બી.યુ.સી ન હોવાના કારણે સીલ મારવામાં આવી. સીલ કરેલ શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે. આગામી દિવસોમાં પ્રશાસન આ મામલે નિર્ણય કરશે.