
સુરત,એક કરોડથી વધુના જીએસટી કૌભાંડમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો છે. આરોપી અસરફ ખીમાણી સહ આરોપીઓને નકલી બિલ બનાવી આપતો હતો. આ નકલી બિલના કેસમાં અગાઉ નીતિન મહેશ્ર્વર, મહેશ રાઠી અને અરવિંદ વોરા નામના આરોપી પણ પકડાયા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચને GST ફ્રોડમાં ભાગતા ફરતા એક આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. ૧,૧૬,૫૧,૯૬૨ રૂપિયાના GST કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપી અસરફ સતાર ખીમાણીની ધરપકડ કરવામાં આવી છે. ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આ ગુનાના આરોપી નિતીન મહેશ્ર્વર, અરવિંદ વોરા, મહેશ રાઠી અને અશરફ ખીમાણીઓએ ગુનાહિત કાવતરું રચી રુદ્રા એન્ટરપ્રાઇઝ નામની બનાવટી પેઢી ઊભી કરી હતી. ત્યારબાદ જીએસટી નંબર મેળવીને કેટલાક ખોટા બીલો બનાવી ૧,૧૬,૫૧,૯૯૨ રૂપિયાનો જીએસટી ટેક્સ સરકારને નહીં ભરીને સરકાર સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો.
અગાઉ આ મામલે પોલીસ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ નીતિન મહેશ્ર્વર, અરવિંદ વોરા, અને મહેશ રાઠીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મહેશ રાઠીએ આ કૌભાંડને લઈને અશરફનું નામ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જે બાદ તપાસ કરી રહેલી પોલીસે અસરફ ખીમાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અસરફની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેને ખોટા બીલો બનાવ્યા હતા, ૯૫ જેટલા બિલો સહ આરોપીઓને આપ્યા હતા. આરોપી અસરફ ખોટા બીલો બનાવી જે રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવાતી હતી. જેમાંથી અઢી ટકા કમિશન કાપી બાકીનું પેમેન્ટ મહેશ રાઠીને આપતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે કે, આરોપી અસરફ બીલો ક્યાં બનાવતો હતો અને આટલા વધારે બિલો તે ક્યાંથી લાવતો હતો.