
સુરત,સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં ગત રાત્રે ઓટલા પર બેસવાના મુદ્દે બે જૂથ જાહેર રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. બન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં સળિયા, લાકડી સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા તેમજ પથ્થરમારો પણ થયો હતો. મારામારીના આ વીડિયો કોઈએ મોબાઈલમાં બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ હરક્તમાં આવી હતી અને ૮ શખસની ધરપકડ કરી છે.
કીમ ગામના બજારમાં ગત રાત્રિએ બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. સામસામે ટોળાં ભેગાં થઈ જતાં જાહેર રસ્તા ઉપર જ મારામારી શરૂ થઈ ગઈ હતી. ઓટલા ઉપર બેસવાને લઈને બન્ને જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને ત્યાર બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. મારામારીના લાઇવ વીડિયોમાં જોવા મળે છે કે બે જૂથ સામસામે એકબીજા પર ધોકા અને સળિયાથી માર મારી રહ્યા છે, તેમજ અપશબ્દો પણ બોલી રહ્યા છે.
જાહેર માર્ગ ઉપર જ મારામારી શરૂ થઈ જતાં થોડા સમય માટે વાતાવરણ તંગ થઈ ગયું હતું. જોતજોતાંમાં બન્ને જૂથના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ દોડી આવી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ત્યાર બાદ જે શખસો દ્વારા મારામારી કરવામાં આવી હતી એ તમામને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. પોલીસે ૮ જેટલા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.