સુરત ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ અકબંધ:ચિરાગે રૂમનો દરવાજો તોડી દીપિકાને લટકતી હાલતમાં નીચે ઉતારી

સુરતમાં અલથાણના ભીમરાડ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતા દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા હાલ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મહિલા નેતાના આપઘાતના પગલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે જ અલગ-અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપ મહિલા નેતા દ્વારા આપઘાત જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ પોલીસે નોંધેલા નિવેદનમાં સામે આવ્યું છે કે, ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીએ જ રૂમનો દરવાજો ખોલીને લટકી રહેલી દીપિકાને નીચે ઉતારી હતી અને ત્યાર બાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધો હતો.

પરિવારજનો દ્વારા તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે. આ સાથે જ દીપિકા આપઘાત કરી લે તેટલી નબળી ન હોવાનું પણ જણાવીને તેને કોઈ દ્વારા બ્લેકમેલિંગ અથવા તેને મરવા મજબૂર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તેના કોલ ડિટેઈલની પણ તપાસ કરવામાં આવે તે દિશામાં પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતના ભીમરાળ ગામમાં આવેલા બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકા નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં બે દીકરા અને દીકરી છે. દીપિકા ભાજપમાં સતત સક્રિય રહેતી હતી. વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે હાલ ભાજપ સાથે જોડાયેલી હતી. આજ વોર્ડ નંબર 30ના કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે દીપિકાના પરિવારના પારિવારિક સંબંધો હોવાનું દીપિકાના પતિ નરેશ પટેલે જણાવ્યું હતું. બે વર્ષથી જ ચિરાગ સોલંકી સાથે સંપર્કમાં આવ્યા હતા.

1 ડિસેમ્બર 2024ના રોજ બપોરના બે વાગ્યા આસપાસ દીપિકા અને તેમના સંતાનો ઘરે હાજર હતા. દરમિયાન દીપિકાએ પોતાને તેની રૂમમાં બંધ કરી લીધી હતી તે અંગે સંતાનોને જાણ થતા ચિરાગ સોલંકીને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ પિતા નરેશ પટેલને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન સૌથી પહેલા ચિરાગ દીપિકાના ઘરે પહોંચ્યો હતો. જોકે, દીપિકાએ પોતાનો રૂમ અંદરથી લોક કરેલો હોવાથી દરવાજો તોડીને અંદર ગયા હતા.

દીપિકાએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો જેથી તે લટકી રહી હતી. ચિરાગે દીપિકાને લટકતી હાલતમાંથી નીચે ઉતારી હતી. ત્યાર બાદ જે દુપટ્ટો હતો તેને કબાટમાં મૂકી દીધો હતો અને ડોક્ટર આકાશને બોલાવ્યા હતા. ત્યાર બાદ અન્ય એક ડોક્ટર સુનિલને બોલાવ્યો હતો. આ દરમિયાન ઘરના મેન દરવાજાને લોક કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના અડધો કલાક બાદ દીપિકાનો ભત્રીજો ઘરે આવ્યો હતો અને દીપિકાએ આપઘાત કર્યો હોવાનું પરિવારજનો સહિત આસપાસના લોકોને જણાવતા તાત્કાલિક દીપિકાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

ભાજપ મહિલા મોરચાના વોર્ડ નંબર 30ના પ્રમુખના આપઘાતની વાત ગણતરીના સમયમાં જ ફેલાઈ ગઈ હતી. પગલે ગામના લોકો અને સગા સંબંધીઓ સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પહોંચી ગયા હતા. દીપિકાના પતિ અને ત્રણેય સંતાનો પણ ત્યાં જ હાજર હતા. દીપિકાના આપઘાતના પગલે ચિરાગ સોલંકી સામે અલગ અલગ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. પરિવારની સાથે ચિરાગ સોલંકીને પણ પોસ્ટમોર્ટમ રૂમની અંદર લઈ જવામાં આવતો હતો અને પૂછપરછ કરવામાં આવતી હતી. દરમિયાન પોલીસ દ્વારા વીડિયો કોલ કરીને દુપટ્ટો જે કબાટમાં મૂકવામાં આવ્યો હતો તે પણ કબજે કરવામાં આવ્યો હતો.

પી.આઈ ડીસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ બધાની હાજરીમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. શરીર પર અન્ય કોઈ બીજાના નિશાન પણ મળી આવ્યા ન હતા. જેથી દીપિકાના ભાણિયાના આક્ષેપો હતા કે હત્યા કરવામાં આવી છે તેનો છેદ ઉડી ગયો હતો. જોકે, દીપિકા પટેલ દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તેનું કારણ અકબંધ રહ્યું છે.

દીપિકાના પતિના જણાવ્યા પ્રમાણે, ચિરાગ સોલંકી સાથે બે વર્ષ પહેલાં જ સંપર્ક થયો હતો. ત્યાર બાદ ચિરાગ સોલંકી અવારનવાર ઘરે આવતો હતો. ચિરાગ સાથે પરિવાર જેવો સંબંધ થઈ ગયો હતો. દીપિકા ચિરાગને ભાઈ માનતી હતી અને દીપિકાના દીકરાઓ પણ ચિરાગને મામા કહીને સંબોધતા હતા. જોકે, દીપિકાના આપઘાત બાદ સગા સંબંધીઓ અને ગામ લોકો ચિરાગ સામે આક્ષેપો કરી રહ્યા છે. જ્યારે પતિ દ્વારા ચિરાગ સામે કોઈપણ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા ન હતા.

દીપિકા આપઘાત કરી લે એટલે નબળી ન હતી. તે એકદમ હિંમતવાન મહિલા હતી. જો કોઈ આપઘાત કરતું હોય તો પણ તેને બચાવી લે તેવી પાવરફુલ મહિલા હતી. આખા ગામમાં તેની ખૂબ જ ઈજ્જત હતી. જ્યારે ઘરમાં ત્રણ ત્રણ સંતાન હાજર હોય અને માતા આપઘાત કરી લે તે માનયામાં જ ન આવે. દીપિકાને મરવા માટે મજબૂર કરવામાં આવી હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. સુખી સંપન્ન પરિવાર અને ઘરમાં પણ ખુશી ખુશી રહેતા હોય અને આવું પગલું ભરે તો શંકા ઉપજે.