સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાં મોબાઇલના ફ્લિપ કવરમાં સંતાડેલાં ૬૮ લાખના ૧૦ સોનાનાં બિસ્કિટ્સ મળ્યાં

સુરત,

સુરત એરપોર્ટ પર સામાન લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી લગેજ ટ્રોલીમાં મોબાઈલના ફ્લિપ કવરમાં ૬૮ લાખનાં ૧૦ સોનાનાં બિસ્કિટ્સ બિનવારસી હાલતમાં મળ્યાં હતાં. કોઈ પેસેન્જર દ્વારા આ માહિતી કસ્ટમ અધિકારીઓને આપવામાં આવી હતી, જેને પગલે કસ્ટમ વિભાગ દ્વારા સોનાનાં બિસ્કિટ્સ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાં મોબાઈલનું ફ્લિપ કવર અને અન્ય વસ્તુઓ બિનવારસી હાલતમાં પડી હોવાની માહિતી કસ્ટમ વિભાગને કરવામાં આવી હતી. એને આધારે એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફ્લિપ કવર અને અન્ય વસ્તુ કસ્ટમ વિભાગે જપ્ત કરી હતી. તપાસ દરમિયાન વિદેશમાં તૈયાર કરવામાં આવેલા ૧૧૬૬ ગ્રામનાં ૧૦ સોનાનાં બિસ્કિટ્સ મળ્યાં હતાં.

એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરતાં કોઈએ પણ તેની માલિકીનો દાવો કર્યો નહોતો. પ્રાથમિક તપાસમાં સોનાનાં બિસ્કિટ્સની બજાર કિંમત ૬૮ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીઓનું અનુમાન છે કે એરપોર્ટ પર વિદેશથી ફ્લાઈટ લેન્ડિંગ પછી કસ્ટમ દ્વારા પેસેન્જરની તપાસ કરવામાં આવતી હોય છે. ગોલ્ડ લાવનાર શખસે બચવા માટે ટ્રોલી મૂકી એરપોર્ટ બહાર નીકળી ગયો હોય એવી આશંકા છે.

૧૧ દિવસ પહેલાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા એરપોર્ટ પરથી શારજાહ ફ્લાઈટમાં બે લાખ દિરહમ એટલે કે રૂપિયા ૪૫ લાખ લઇ જનારી એક વ્યક્તિને ઝડપી પાડી હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં યુવકે કહ્યું હતું કે એ સોનું ખરીદવા માટે આ ચલણ શારજાહ લઇ જઇ રહ્યો હતો. બે લાખ દિરહમ તેણે પુસ્તકો અને કપડામાં ઉપરાંત બેગમાં સંતાડયા હતા. આ દિરહમ તે ક્યાંથી લાવ્યો, સમગ્ર કાંડમાં બીજું કોણ-કોણ સામેલ છે એની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. ડીઆરઆઇનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ શારજાહ જતી ફલાઇટમાં ઉન ખાતે રહેતો એક યુવક બે લાખ દિરહમ લઇ જઇ રહ્યો હોવાની માહિતી મળી હતી.

આથી ડીઆરઆઇ ટીમ એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી અને જેવો એ યુવક દેખાતાં તેની તપાસ કરવામાં આવી હતી. તેની પાસેની બેગ ચેક કરવામાં આવતાં એમાં કપડાં અને ચોપડીઓ હતી, જેમાં દિરહમ સંતાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે દિરહમ લઇને તે દુબઇ જવાનો હતો અને ત્યાંથી સોનું લાવવાનો હતો. હાલ દિરહમ જપ્ત કરીને ડીઆરઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.

સુરત એરપોર્ટ પર એક મોટા ઘટનાક્રમમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા રૂ. ૧.૬૬ કરોડની કિંમતનું ૩.૧૭ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. નવેમ્બર, ૨૦૨૨માં સુરત એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. DRI ના અધિકારીઓ દ્વારા ચોક્કસ બાતમીના આધારે, ૯ નવેમ્બરે શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા ૩ મુસાફરો (૨ પુરુષ અને ૧ સ્ત્રી)ની સુરત એરપોર્ટ પર અટકાયતમાં કરવામાં આવી હતી અને તેમની તપાસ કરવામાં આવી હતી.