
સુરત,સુરત હવે શૂટિંગ માટેનું ડેસ્ટિનેશન બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. ગત અઠવાડિયે જ્હાનવી કપૂર અને રાજકુમાર રાવ શૂટિંગ માટે સુરત આવ્યા હતા ત્યારે હવે સુરત એરપોર્ટ પર વધુ એક હિન્દી ફિલ્મનું શૂટિંગ થયુ હતું. બોલિવૂડના જાણીતા અભિનેતા નિલ નીતિન મુકેશે હિસાબ બરાબર ફિલ્મનું શૂટિંગ અહીં કર્યું હતું. ટર્મિનલ બિલ્ડીંગના અરાઈવલ એરિયામાં બૉમ્બ મુકવા અને વિમાન હાઈજેક કરવાનું દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. આ શૂટિંગ મોડી રાત સુધી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પૂર્વ મંજૂરીથી કરવામાં આવ્યું હતું.

સુરત એરપોર્ટ પર સાંજે ૫ વાગ્યા પછી કલાકો સુધી બીજી ફ્લાઈટની અવર-જવર નહીં હોવાથી એરપોર્ટ પર ફિલ્મ શૂટિંગ માટે બોલિવૂડની નજર સુરત એરપોર્ટ પર પડી છે. સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગના અરાઇવલ એરિયાના એક ભાગમાં લગેજ બેગના ઢગલા સાથે નીલ નીતિન મુકેશ પર દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. સહયોગી અભિનેતાઓ અને શૂટિંગ સ્ટાફનો મોટો કાફલો લાવવાને બદલે સુરતની ગુજરાતી રંગભૂમિના ૩૦થી ૪૦ કલાકારોને નીલ સાથે અભિનયની તક આપવામાં આવી હતી.

ટર્મિનલ બિલ્ડીંગમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બેગેજમાં બોમ્બ શોધે છે, વિમાન હાઈજેકનો પ્લાન નિષ્ફળ બનાવવાનો પ્રયાસ થાય છે એવા દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીએ ફિલ્મના શૂટિંગ માટે ગતરોજ સાંજે ૫થી આજે સવારે ૫ વાગ્યામાં શૂટિંગ પૂરું કરવા મંજૂરી આપી હતી.

સીઆઇએસએફ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનાં જવાનોનો રોલ સુરતનાં કલાકારોએ આ ફિલ્મમાં કર્યો છે. ‘હિસાબ બરાબર’ ફિલ્મનું દિગ્દર્શન અશ્ર્વિન ધીર કરી રહ્યાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં નીલ નીતિન મુકેશ, માધવન, કીત કુલ્હારી અને અભિનેત્રી રશ્મિ દેસાઈ છે. રશ્મિ નવસારીની વતની છે. સુરત એરપોર્ટથી રાતે ઉપડતી બેંગલુરૂની ફ્લાઈટના પેસેન્જરો સુરત એરપોર્ટ પર નીલ નીતિન મુકેશને શૂટિંગ કરતાં જોઈ ઝૂમી ઉઠ્યા હતા. શૂટિંગના વિરામ દરમિયાન નીલ નીતિન મુકેશે પેસેન્જરો, સહ કલાકારો, એરપોર્ટ સ્ટાફ સાથે ફોટો પણ પડાવ્યા હતા. આખી રાત આ ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું.
છેલ્લાં વીકેન્ડમાં યુવા દિલોની ધડકન ફિલ્મસ્ટાર જહ્નાવી કપૂર અને ‘સ્ત્રી’ મૂવી ફેમ રાજકુમાર રાવ ગુપચૂપ સુરતમાં આવીને શૂટિંગ કરી ગયા હતા. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત અને શરન શર્મા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું શૂટિંગ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન સંચાલિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.