સુરત, શહેરમાં વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે. જેમા આઠમી તારીખે ૧૨ વર્ષના બાળકનું અપહરણ બાદ આજે બપોરે કામરેજના ઊંભળ ગામની ઝાડીઓમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ બાળક કડોદરા પાસેથી ટ્યુશનથી ઘરે આવતો હતો તે સમયે તેનું અપહરણ થયું હતુ. અપહરણની જાણ થતાની સાથે બાળકના પિતાએ પોલીસમાં આ અંગેની ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે ૧૦થી વધુની ટીમ બનાવીને બાળકને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. પરંતુ આજે બપોરે બાળકનો મૃતદેહ મળતા આખા પરિવાર સહિત પંથકમાં શોકની લાગણી છવાઇ છે.
આ અંગે સુરત એસસપી, હિતેશ જોયસરે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સુરતમાં કડોદરામાંથી આઠમી તારીખે રાતે ૧૨ વર્ષ અને છ માસના બાળકનું અપહરણ થયુ હતુ. તે બાદ પિતાને આ અંગેની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસની અનેક ટીમો આ બાળકને શોધવામાં લાગી ગઇ હતી.
તેમણે વધુમાં જણાવ્યુ કે, મૃતકના પિતાને રૂપિયા માંગતો ફોન પણ આવ્યો હતો. અપહરણર્ક્તાઓએ પહેલા ૫૦ હજાર રુપિયાની માંગણી કરતા હતા. જે બાદ ૧૫ લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી. આ શંકાસ્પદ અપહરણર્ક્તા અને મૃતક એક જ સોસાયટીમાં રહેતા હતા.
આ અંગે પણ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. પોલીસની વિવિધ ટીમો દ્વારા આ અંગે શોધખોળ થતા તે દિવસે રાતે જ જે રિક્ષામાં બાળકનું અપહરણ થયુ હતુ તે શોધી નાંખવામાં આવી હતી. આ સાથે આ કૃત્યમાં શંકાસ્પદ લોકોની પણ ઓળખ કરી લેવામાં આવી હતી.
એસપીએ વધુમાં જણાવ્યુ કે, શંકાસ્પદોની પૂછપરછ કરીને સતત બે દિવસોથી કોમ્બિંગ ઓપરેશનો ચાલી રહ્યા હતા. આજે બપોરે કામરેજની સીમમાં આ બાળકનો મૃતદેહ મળ્યો છે.
તમામ આરોપીઓ અને મૃતક બાળક એક જ સોસાયટીમાં રહેતા હતા. આ તમામ લોકો એકબીજાને ઓળખતા હતા. આ ગુનામાં તમામ પાસાને તપાસવા માટે પોલીસ તપાસ કરી રહી છે.