સુરત, સુરતમાં સાયણ ૧૦૮ ની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. કાદવ-કીચડમાંથી ૧ કિલોમીટર જેટલુ અંદર ચાલતા જઈ ટીમે પ્રસૂતાની ડિલિવરી કરાવી હતી.
બન્યુ એમ હતું કે, પીપોદરા ખાતે રહેતી કાજલબેન બબલુભાઈ પસમાંને પ્રસુવની પીડા ઉપડતા ૧૦૮ને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પોહચેલી સાયણ ૧૦૮ ની ટીમે સ્થળ પર ડિલિવરી કરવી પડે તેમ હોવાથી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ૧ કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ નહોતી. જેથી ઇએમટી ભદ્રેશભાઈ અને પીઆઇએલઓટી અજયભાઈ નામના કર્મચારીએ સૂઝબૂઝથી કામ લીધું હતું.
અંતે ૧ કિલોમીટર કાદવ-કિચડમાંથી ચાલતા પ્રસૂતાના ઘર સુધી ટીમ પહોંચી હતી. જ્યાં પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા સ્થળ પર જ સુરક્ષિત ડિલિવરી કરાવી સારવાર આપી હતી. પ્રસુતાએ બાળકીને જન્મ આપતા ૧ કિલોમીટર અંદરથી મહિલાને સ્પાઇન બોર્ડ પર ૧૦૮ સુધી લાવવામાં આવી હતી.
ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલાને સારવાર આપી બાળકી અને માતાને સાયણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ, માતા અને બાળકીનો જીવ બચાવી ૧૦૮ ની ટીમે સરાહનીય કામગીરી કરી હતી.