સુરત શહેરમાં પૂર વગર પાણીથી શહેર તરબોળ, લોકો પરેશાન થઇ ગયા

સુરત શહેરમાં આજે દિવસના મેઘરાજાનું જોર યથાવત રહેતા સરથાણા ઝોનમાં ૬ ઇંચ, લિંબાયત, વરાછામાં ૫.૫૦ ઇંચ સહિત તમામ ઝોનમાં દેમાર વરસાદના કારણે ૧૨ કલાકમાં સરેરાશ ૩.૩૫ ઇંચ અને ૨૪ કલાકમાં સરેરાશ ૮.૬૩ ઇંચ વરસાદ ખાબક્તા સુરત શહેરમાં પૂર વગર પાણીથી શહેર તરબોળ થઇ ગયુ હતુ.

ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં રવિવારે સાંજે છ વાગ્યાથી શરૂ થયેલ આક્રમક વરસાદનું જોર આજે પણ યથાવત રહ્યુ હતુ. આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં સરથાણા ઝોનમાં છ ઇંચ, રાંદેર, વરાછા ઝોનમાં ૫.૫૦ ઇંચ સહિત તમામ ઝોનમાં ૬૭૧ મિ.મિ અને સરેરાશ ૩.૩૫ ઇંચ વરસાદી પાણી પડયું હતું. જયારે રવિવારે સાંજે છ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં તમામ ઝોનમાં કુલ ૧૭૨૭ મિ.મિ અને સરેરાશ ૮.૬૩ ઇંચ વરસાદી પાણી પડયું હતું.

આમ વિતેલા ૨૪ કલાકમાં જે દેમાર વરસાદ ઝીંકાયો હતો. તેમાં સરથાણામાં સૌથી વધુ ૧૦.૮૪ ઇંચ અને રાંદેરમાં ૯.૯૨ ઇંચ, વરાછામાં ૯.૨૫ ઇંચ વરસાદ ખાબક્તા પાણીની રેલમછેલ થતા શહેરીજનો વગર પૂરે પાણીથી તરબોળ થયા હતા. અને આજે પણ આખો દિવસ શહેરીજીવનને વ્યાપક અસર પડી હતી.

ઉપરવાસમાં ધીમીધારે વરસી રહેલ મેઘરાજા અને હથનુર ડેમમાંથી ૨૫ હજાર કયુસેક પાણી છોડાતા આજે દિવસ દરમ્યાન ઉકાઇ ડેમમાં ૨૧ હજારથી ૩૧ હજાર કયુસેક ઇનફલો આવવાની સાથે જ સપાટી વધીને ૩૧૩.૭૪ ફુટ થઇ હતી.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે મેઘરાજા હજુ બરાબર જામ્યા નથી. સામાન્ય જ વરસાદ વરસી રહ્યો છે. અને હજુ સુધી હેવી ઇનફલો આવ્યો નથી. જેના કારણે સપાટીમાં સામાન્ય જ વધારો થયો છે. દરમ્યાન આજે પણ ઉકાઇ ડેમમાં સવારે છ થી લઇને સાંજે છ સુધીમાં ૨૧ હજાર કયુસેકથી લઇને ૩૧ હજાર કયુસેક ઇનફલો આવ્યો હતો. અને સવારે છ વાગ્યે નોંધાયેલી ઉકાઇ ડેમની સપાટી ૩૧૩.૪૫ ફુટ થી વધીને સાંજે છ વાગ્યે ૩૧૩.૭૭ ફુટ પર સ્થિર થઇ હતી. ઉકાઇ ડેમનું રૂલલેવલ ૩૩૩ ફુટ અને ભયજનક સપાટી ૩૪૫ ફુટ છે.