
સુપ્રીમ કોર્ટે આજે નીટ યુજી કેસની સુનાવણી કરી. સુનાવણી દરમિયાન સીજેઆઇએ કહ્યું કે ૧ લાખ ૮ હજાર સીટો માટે ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં ૫૨ હજાર ખાનગી કોલેજો અને ૫૬ હજાર સરકારી કોલેજોમાં બેઠકો છે. પરીક્ષામાં ખોટા જવાબ માટે એક નકારાત્મક ગુણ સાથે કુલ ૭૨૦ ગુણ ધરાવતા ૧૮૦ પ્રશ્ર્નો હોય છે.સીજેઆઇએ રજૂઆત રેકોર્ડ કરી કે જે બે મુખ્ય આરોપો છે તે દસ્તાવેજો લીક થવા અને પ્રણાલીગત નિષ્ફળતા હતા. અરજદારોએ વ્યવસ્થિત નિષ્ફળતાનો પ્રશ્ર્ન ઉઠાવ્યો છે અને ફરીથી પરીક્ષાની માંગ કરી છે. ઘણા રાજ્યોમાં આ અંગે એફઆઇઆર પણ નોંધવામાં આવી છે.
આ પછી કોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે તેના વચગાળાના આદેશમાં મુખ્ય મુદ્દાઓને યાનમાં લઈને એનટીએ, કેન્દ્ર અને સીબીઆઈ પાસેથી એફિડેવિટ માંગ્યા હતા. દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં એફઆઈઆર સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ સીબીઆઈની ભૂમિકા સામે આવી છે.
સીજેઆઇએ કહ્યું કે ૪ દિવસથી વધુ સમય સુધી દલીલો સાંભળવામાં આવી. અમે સીબીઆઇ અધિકારી કૃષ્ણા સહિત તમામ પક્ષોને સાંભળ્યા છે. અમે માનીએ છીએ કે હજારીબાગ અને પટનામાં નીટ યુજી ૨૦૨૪ પેપર લીક થયું હતું, આ અંગે કોઈ વિવાદ નથી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ સીબીઆઈએ તેનો સ્ટેટસ રિપોર્ટ ૧૦ જુલાઈના રોજ દાખલ કર્યો છે. સીબીઆઈની તપાસ મુજબ પેપર લીકના કારણે ગેરરીતિનો લાભ મેળવનારા ૧૫૫ વિદ્યાર્થીઓ છે. કોર્ટે હજુ સુધી તારીખ આપી નથી.