સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીની રાહત માટેની અરજી ફગાવી, ઈડીને પૂછપરછની મંજૂરી મળી

જૂન મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ડીએમકેના નેતા અને તમિલનાડુના મંત્રી વી સેંથિલ બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે મદ્રાસ હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સેંથિલ બાલાજીની કરવામાં આવેલ ધરપકડને સમર્થન આપ્યું હતું. ત્યારે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ED ને તેમની કસ્ટડીમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી દીધી છે.

જસ્ટિસ એએસ બોપન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે આ મુદ્દો મોટી બેંચને પણ મોકલી આપ્યો કે રિમાન્ડના પ્રથમ ૧૫ દિવસોથી વધુ પોલીસ કસ્ટડીની પરમિશન નથી. ૧૪ જૂનના રોજ થયેલી ધરપકડ પછી પણ બાલાજી તમિલનાડુ સરકારમાં પોર્ટફોલિયો વિના મંત્રી છે અને તેમની પત્નીએ રાજ્ય પરિવહન વિભાગમાં કથિત નોકરીને બદલે રોકડ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સી દ્વારા તેમની ધરપકડને ચાલુ રાખવાના મદ્રાસ હાઈકોર્ટના આદેશનો વિરોધ કર્યો.