સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂક્યો, નિર્દોષ છોડવા પર નહીં: ભાજપ સાંસદ

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. આજે મોદી સરનેમ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કરતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી છે. હવે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુન:સ્થાપિત થશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે રાહુલ ગાંધીને વધુમાં વધુ બે વર્ષની સજા આપવામાં આવી છે. પરંતુ નીચલી કોર્ટે વધુમાં વધુ સજા સંભળાવવાનું કારણ શું હતું તે જણાવ્યું નથી.આ સાથે હાઈકોર્ટે પણ તેને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લીધું નથી.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ભાજપના લોક્સભા સાંસદ સુબ્રત પાઠકે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજા પર રોક લગાવી છે પરંતુ રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા નથી. રાહુલ ગાંધીએ વડાપ્રધાનનું અપમાન કર્યું છે, ચોક્કસ જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા. દેશની સૌથી મોટી અદાલત જનતાની અદાલત છે, ૨૦૨૪માં જનતા રાહુલ ગાંધીને જવાબ આપશે.

તે જ સમયે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનાર બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પોતાની ટિપ્પણી આપી છે. પૂર્ણેશ મોદીએ કહ્યું, આજે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુક્યો છે. અમે કોર્ટના આ નિર્ણયને આવકારીએ છીએ. અમે કોર્ટમાં અમારી કાનૂની લડાઈ ચાલુ રાખીશું.