સુપ્રીમ કોર્ટે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ૮ સભ્યોના જામીન રદ કર્યા

નવીદિલ્હી, પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સભ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે અને તમામ ૮ આરોપીઓના જામીન રદ કર્યા છે. આ આઠ લોકો પર આતંકવાદી ઘટનાઓનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

વાસ્તવમાં, મદ્રાસ હાઈકોર્ટે ગયા વર્ષે આ ૮ આરોપીઓને જામીન આપ્યા હતા. જે બાદ આરોપીઓને જામીન મળવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે બુધવારે કોર્ટમાં સુનાવણી થઈ અને જસ્ટિસ ત્રિવેદીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો.

જસ્ટિસ ત્રિવેદીએ કહ્યું કે આ પીએફઆઈ સભ્યો પર દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તેણે માત્ર ૧.૫ વર્ષ (દોઢ વર્ષ) જેલમાં વિતાવ્યા છે. આ કારણોસર અમે તેને જામીન પર મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરી રહ્યા છીએ.

આઠ આરોપીઓમાં ઈદ્રીસ, બરક્તુલ્લાહ, ખાલિદ મોહમ્મદ, મોહમ્મદ અબુતાહિર, સૈયદ ઈશાક, ખાજા મોહિદ્દીન, યાસર અરાફાત અને ફૈયાઝ અહેમદનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં ટ્રાયલ ઝડપથી ચલાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ લોકો પર કેરળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં આતંકવાદી ગતિવિધિઓ માટે ષડયંત્ર રચવાનો અને નાણાં એકત્ર કરવાનો આરોપ છે.