સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનું નિવેદન:રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ સામે એફઆઇઆર નોંધાશે

  • રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ જેલમાં નહીં જાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.

નવીદિલ્હી,દિલ્હી પોલીસ આજે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(ડબ્લ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં કેસ દાખલ કરશે. દિલ્હી પોલીસે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે. ૨૧ એપ્રિલે બ્રિજભૂષણ સામે એક સગીર સહિત ૭ મહિલા રેસલર્સે યૌન શોષણની ફરિયાદ કરી હતી. જ્યારે કેસ નોંધાયો ન હતો ત્યારે કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આજે સુનાવણી દરમિયાન, કુસ્તીબાજો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું- મહિલા કુસ્તીબાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવે અને નિવૃત્ત ન્યાયાધીશોએ કેસની દેખરેખ રાખવી જોઈએ. આ અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને આગામી શુક્રવાર સુધીમાં તેમના દ્વારા લેવામાં આવેલા દરેક પગલાંની વિગતો આપતું સોગંદનામું દાખલ કરવા પણ કહ્યું છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં ૧૭ મેના રોજ સુનાવણી થશે.

અધ્યક્ષ બ્રિજભૂષણ સામે કાર્યવાહીની માંગ સાથે કુસ્તીબાજો ૬ દિવસથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ,ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પણ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવ્યાં હતાં. સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે મંગળવારે સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ અરજી મૂકી હતી. તેમણે કહ્યું- યૌન શોષણના આરોપમાં કોઈ એફઆઇઆર નોંધાઈ નથી. એ સમયે પીડિતા ૧૬ વર્ષની હતી, તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. સીજેઆઇ ચંદ્રચૂડે કહ્યું હતું- કુસ્તીબાજોના આરોપો ખૂબ ગંભીર છે. આ લોકોએ દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. અમે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. અમે આ મામલે તપાસ કરીશું.

દરમિયાન ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ કહ્યું- એથ્લેટ્સને રસ્તા પર ન્યાયની માંગ કરતાં જોઈને દુ:ખ થાય છે, તેમને ન્યાય મળવો જોઈએ. અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કહ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો ઘણું મોડું થઈ જશે.કુસ્તીબાજોએ સવાલ ઉઠાવ્યો કે ક્રિકેટરો આ મુદ્દે મૌન કેમ છે? આ પછી, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે શુક્રવારે કહ્યું- શું આ લોકોને ક્યારેય ન્યાય મળશે? આ તરફ સાનિયા મિર્ઝાએ પણ અપીલ કરી છે કે મુશ્કેલ સમયમાં કુસ્તીબાજોને સપોર્ટ કરો.

નીરજ ચોપરા: આપણા એથ્લેટ્સ ન્યાય માટે રસ્તા પર બેઠા છે, એ જોઈને દુ:ખ થાય છે. તેમણે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે, સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે અમે દરેકની ગરિમા અને અખંડિતતાના રક્ષણ માટે જવાબદાર છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આપણે આ મામલે કોઈપણ પક્ષપાત અને પારદર્શિતા વગર વ્યવહાર કરવો જોઈએ. આ લોકોને ન્યાય મળવો જોઈએ.જયારે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કહ્યું હતું કે હું આ દેશની દીકરી, તમે અને ઘરે બેઠેલી દરેક દીકરી તેમજ બહેન વતી વાત કરું છું. આપણા દેશની દીકરીઓ જેમણે આ દેશને નામના અને ઘણા મેડલ અપાવ્યા છે તેઓ જંતર-મંતર પર બેઠી છે. જે દેશમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેઓ ન્યાયની ભીખ માગી રહી છે, શું એ સાચુ છે? ગૃહમંત્રી અને રમતગમતમંત્રી… પોકાર સાંભળો. જ્યારે તમે તેમની સાથે ઊભા નહીં રહો, તો પછી માત્ર આ ક્ષેત્રમાં જ નહીં, અન્ય રમતોમાં પણ બેટી બચાવોના નારા આપવાનો શો અર્થ છે?

સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે એક મહિલા તરીકે આ ખેલાડીઓને આ રીતે જોવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે આપણા દેશ માટે સન્માન અપાવે છે, ત્યારે આપણે બધા ઉજવણી કરીએ છીએ. હવે આ મુશ્કેલ સમયમાં બધાએ તેમનો સાથ આપવો જોઈએ. આશા છે કે આજે નહીં તો કાલે તેમને ન્યાય મળશે.

પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિદ્ધુએ કહ્યું હતું કે આ ચોંકાવનારું છે કે ૯ મહિલાઓએ ફરિયાદ કરી અને એફઆઈઆર પણ નોંધાઈ નહીં. હું સોમવારે કુસ્તીબાજોને મળવા જઈશ અને હું જંતર-મંતર ખાતે તેમના સત્યાગ્રહમાં જોડાઈશ.