સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝટકો આપ્યા: ઈડી ડાયરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેર ગણાવ્યો,હવે હોદ્દો છોડી દેવો પડશે

નવીદિલ્હી, થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે ઈડી ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને ત્રીજો કાર્યકાળ આપ્યો હતો પરંતુ હવે સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ઇડીના વડા સંજય મિશ્રાને ત્રીજું એક્સટેન્શન આપવાના આદેશને રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે ઇડી ચીફનું ત્રીજી વખત વિસ્તરણ યોગ્ય નથી. સુપ્રીમે કહ્યું કે ઇડી ડિરેક્ટરનો ત્રીજો કાર્યકાળ ગેરકાયદેસર અને કાયદામાં અમાન્ય છે. જો કે સુપ્રીમ કોર્ટે સરકારને રાહત આપતા સર્વિસ એક્સટેન્શનના નિયમ સાથે કાયદામાં સુધારાને યોગ્ય માન્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈડીના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ વધારવો ગેરકાયદેસર છે પરંતુ તેઓ આ પદ પર ૩૧ જુલાઈ ૨૦૨૩ સુધી ચાલુ રહેશે. ત્યાર બાદ તેમણે હોદ્દો છોડી દેવો પડશે અને તેમના સ્થાને નવી નિયુક્તી કરવી પડશે. સુપ્રીમે સંજય મિશ્રાના ત્રીજા કાર્યકાળના કેન્દ્રના આદેશને રદ કર્યો હોવાથી હવે કેન્દ્ર સરકારે બીજા કોઈ અધિકારીને ઈડીના હોદ્દા પર બેસાડવા પડશે અને ૩૧ જુલાઈએ પછી ઈડીને નવા ચીફ મળી શકે છે.

કેન્દ્ર સરકારે પહેલી વાર ૧૯ નવેમ્બર, ૨૦૧૮ના રોજ બે વર્ષના સમયગાળા માટે મિશ્રાને ઇડીના ડિરેક્ટર બનાવ્યાં હતા. નવેમ્બર ૨૦૨૦માં તેમણે આ પદ છોડવાનું હતું, પરંતુ તે પહેલા મે મહિનામાં તેઓ ૬૦ વર્ષની ઉંમર એટલે કે નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા હતા. નવેમ્બર ૨૦૨૦ માં તેમનો કાર્યકાળ પૂરો થયો તે પહેલાં, કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ બે વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરી દીધો હતો. ત્યારબાદ, કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૧ માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) એક્ટ તેમજ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (ડીએસપીઇ) એક્ટમાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં સીબીઆઈ અને ઇડીના વડાઓને પ્રત્યેક ૧ વર્ષના ત્રણ સેવા વિસ્તરણની જોગવાઈ છે. બાદમાં તેને સંસદમાં પણ પાસ કરવામાં આવ્યો હતો. આ પછી નવેમ્બર ૨૦૨૧માં સંજય મિશ્રાને બીજી વખત એક વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું. આ પછી નવેમ્બર ૨૦૨૨માં કેન્દ્ર સરકારે સંજય કુમાર મિશ્રાને ત્રીજી વખત એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. આ મુજબ સંજય મિશ્રાનો કાર્યકાળ ૧૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ તે પહેલા સુપ્રીમ કોર્ટે એક્સટેન્શન ઓર્ડર રદ્દ કરી દીધો હતો.

ઇડીના વડાની સેવાના વિસ્તરણ સામે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.સુપ્રીમે આ અરજી પર કેન્દ્રનો જવાબ માંગ્યો હતો. એસસીએ સપ્ટેમ્બર ૨૦૨૧ માં પસાર કરેલા આદેશને પાછો ખેંચવાની કેન્દ્રની અરજી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ પીએલઆઈ પર સુનાવણી કરતાં સુપ્રીમે મિશ્રાના કાર્યકાળના આદેશને રદ કરીને તેમને ૩૧ જુલાઈએ ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

સંજય કુમાર મિશ્રા ૧૯૮૪ની બેચના આઈઆરએસ અધિકારી છે. મૂળ યુપીના મિશ્રાએ આવકવેરા સંબંધિત અનેક કેસોની તપાસ કરી હતી, જેમાં ઘણા હાઈ પ્રોફાઈલ હતા. તેઓ દિલ્હીમાં ચીફ ઈક્ધમ ટેક્સ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.