શંભુ બોર્ડર ખોલવાના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકાર હાઈવે પર આવન-જાવન કેવી રીતે રોકી શકે? કોર્ટે કહ્યું કે, ટ્રાફિકને નિયંત્રિત કરવાનું કામ રાજ્ય સરકારનું છે. અમે કહી રહ્યા છીએ કે, સરહદ ખુલ્લી રાખો પણ નિયંત્રણ પણ રાખો.
દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ખેડૂતો પણ આ દેશના નાગરિક છે તેમને ખોરાક અને સારી તબીબી સંભાળ પૂરી પાડવાનું કામ સરકારનું છે. કોર્ટે કહ્યું કે, ખેડૂતો આવશે, સૂત્રોચ્ચાર કરશે અને પાછા ચાલ્યા જશે.
તેમણે આ ટિપ્પણી ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલા ૨૨ વર્ષના યુવકના મૃત્યુની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ હરિયાણા સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કરી હતી. સુપ્રીમ કોર્ટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ન્યાયિક તપાસના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી મોકૂફ રાખી છે.
જણાવી દઈએ કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બે દિવસ પહેલા શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ નિર્ણય જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. કોર્ટે પંજાબ અને હરિયાણા બંને રાજ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ આપ્યો છે. તેમણે વિરોધ દરમિયાન એક ખેડૂતના મોતની તપાસ માટે એસઆઇટી બનાવવાનું પણ કહ્યું હતું.એસઆઇટીની રચના કરવાના હાઈકોર્ટના આદેશ સામે હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે હરિયાણા અને પંજાબ સરકારોને સરહદો ખોલવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું હતું.
પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા ૫ મહિનાથી કેટલાક ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબના ખેડૂતોએ આ વર્ષે ૧૦ ફેબ્રુઆરીએ કેટલીક માંગણીઓને લઈને દિલ્હી સુધી કૂચની જાહેરાત કરી હતી. ખેડૂતોના વિરોધને જોતા પ્રશાસને ત્યાં બેરીકેટ્સ લગાવી દીધા છે, જેના કારણે અહીંથી પસાર થતા ટ્રાફિકને માઠી અસર થઈ રહી છે. વાહનોને સરહદ પાર કરવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. બોર્ડર બંધ થવાના કારણે આસપાસના દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે.