નવીદિલ્હી,વારાણસીમાં રમઝાન મહિનામાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં ’વુજુ’ કરવાની પરવાનગી માંગતી અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે ૧૪ એપ્રિલે સુનાવણી કરવા સંમત થઈ છે. અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ રમઝાન દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ’વઝુ’ માટે પરવાનગી માંગી છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૧૧ નવેમ્બરે તે વિસ્તારની સુરક્ષાને આગળના આદેશ સુધી લંબાવી હતી જ્યાં એક ’શિવલિંગ’ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અયક્ષતાવાળી બેંચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મસ્જિદ સમિતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ રમઝાન મહિનાને ટાંકીને મામલાની વહેલી સુનાવણીની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે મસ્જિદની અંદર એક વિસ્તાર સીલ કરવાને કારણે ’વજુખાના’ જવાનો રસ્તો પણ બંધ છે. તેમણે કહ્યું કે વાઝુ માટે ડ્રમમાંથી પાણી લેવામાં આવે છે અને રમઝાનને કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
સીજેઆઇ ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે કહ્યું કે આ મામલાની સુનાવણી ૧૪ એપ્રિલે થશે. અગાઉ ૨૮ માર્ચે, સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ વિવાદ સંબંધિત વારાણસીની કોર્ટમાં દાખલ કરાયેલા તમામ દાવાઓને સમાવવાની માંગ કરતી હિન્દુ પક્ષની અરજી પર ૨૧ એપ્રિલે સુનાવણી કરવા સંમત થઈ હતી.