નવીદિલ્હી,
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરી એકવાર સુપ્રીમકોર્ટ પર નિશાન તાક્યું હતું. રાજ્યસભામાં સભાપતિ તરીકે પ્રથમ સંબોધનમાં ધનખડે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક કાયદા(એનજેએસી)નો મુદ્દો ઊઠાવતા કહ્યું કે બિલ માટે ૯૯મું બંધારણીય સુધારા બિલ બંને ગૃહોમાં ૨૦૧૪માં પસાર કરાયું હતું. આ બિલને ૨૦૧૫માં સુપ્રીમકોર્ટે ફગાવી દીધું.
ઉપરાષ્ટ્રપતિએ તેને સંસદીય સંપ્રભુતા સાથે ગંભીર સમજૂતી ગણાવતા કહ્યું કે આ એ જનાદેશનું અપમાન છે જેના સંરક્ષક રાજ્યસભા અને લોક્સભા છે. તેમણે કહ્યું કે સંસદ દ્વારા પસાર એક કાયદો જે લોકોની ઈચ્છા દર્શાવે છે તેને સુપ્રીમકોર્ટે રદ કરી દીધો અને દુનિયાને એવા પગલા વિશે કોઈ જાણકારી પણ નથી. આ ચિંતાજનક બાબત છે કે આ અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દે સંસદનું યાન નથી.
આ કાયદો જજોની નિમણૂકમાં સરકારને વધુ અધિકાર આપવાના સંબંધમાં હતો. કાયદામંત્રી કિરણ રિજિજુ પણ હાલના સમયે જજોની નિમણૂકની વર્તમાન કોલેજિયમ વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યા છે. કોલેજિયમમાં ન્યાયપાલિકાનું વર્ચસ્વ છે.