નવીદિલ્હી,સુપ્રીમકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે પત્નીના સ્ત્રીધન પર પતિનું કોઈ જ નિયંત્રણ નથી. અને જો કટોકટીના સમયે પતિએ સ્ત્રીધન નો ઉપયોગ કર્યો હોત તો બાદમાં તે પરત કરવું તેની નૈતિક ફરજ છે. ગુમાવેલા સોના બદલ પત્નીને ૨૫ લાખનું વળતર ચૂકવવાનો પતિને આદેશ આપતા સુપ્રીમકોર્ટે આ સ્પષ્ટતા કરી હતી.
મૂળ કેરળના કેસમાં પત્નીએ દાવો કર્યો હતો કે લગ્ન સમયે તેને પિયર પક્ષ તરફથી સોનાના ૮૯ દાગીના મળ્યા હતા. વધુમાં તેના પિતાએ મહિલાના પતિને ૨ લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. પત્નીના જણાવ્યા પ્રમાણે લગ્નની પ્રથમ રાતે જ પતિએ સુરક્ષાનું કારણ આગળ ધરીને તમામ દાગીના પોતાના કબજા હેઠળ લઈ લીધા હતા. જો કે પત્નીએ આરોપ મુક્યો હતો કે પતિ તથા તેના સાસુએ અગાઉની આથક જવાબદારીઓમાંથી છૂટકારો મેળવવા માટે સોના-ચાંદીના દાગીનાનો દુરુપયોગ કર્યો હતો.
આ કેસમાં ૨૦૧૧માં ફેમિલિ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પતિ અને તેની માતાએ મહિલાની જ્વેલરીનો ગેરવહીવટ કર્યો છે. તેથી આ નુક્સાનની ભરપાઈ કરવાનો તેને અધિકાર છે. જો કે કેરળ હાઇકોર્ટે ફેમિલિ કોર્ટના ચુકાદાને રદ ઠેરવીને મહિલાના પતિ તથા સાસુને રાહત આપી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે પતિ અને તેની માતા દ્વારાલ જ્વેલરીનો ગેરવહીવટ થયો છે એ પુરવાર થયું નથી. એ પછી મહિલાએ ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાએ જણાવ્યું હતું કે સ્ત્રીધન એ પત્ની અને પતિની સંયુક્ત સંપત્તિ નથી. તેથી આ સંપત્તિ પર પતિનો અધિકાર નથી. આ સંપત્તિ મહિલાને લગ્ન પહેલા કે લગ્ન પછી મળી હોય છે તેથી તેના પર માત્ર તેનો જ અધિકાર છે.
આ કેસમાં હાઇકોર્ટના ચુકાદાને ખામી ભરેલો ગણાવતા સુપ્રીમકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે લગ્નસંબંધ પતિ-પત્નીના પરસ્પર વિશ્ર્વાસ પર ટકેલો છે. તેથી (આ કેસમાં) પત્નીને પહેલેથી જ પતિ પર ભરોસો ન હતો એવું માનવું શક્ય નથી.