સુપ્રીમ કોર્ટના વધુ એક નિર્ણયને કેન્દ્ર સરકાર બદલશે, ચૂંટણી કમિશનરોની નિમણૂંક માટેની સમિતિમાં રહેશે નહીં ચીફ જસ્ટિસ

નવીદિલ્હી, રાજ્યસભા અને લોક્સભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ મોદી સરકાર હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ લાવવાની તૈયારી કરી રહી છે. બિલની રજૂઆત સાથે જ એક્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર વચ્ચે નવી ટક્કર શરૂ થવાની શક્યતા છે. આમાં, તેમની સેવાની શરતો સાથે, બિલમાં કાર્યકાળ વધારવાનો અધિકાર પણ હશે. આને લગતું બિલ કેન્દ્ર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.

સૂચિબદ્ધ બિલ મુજબ, ચૂંટણી કમિશનરોની નિમણૂક પસંદગી સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન તેના અધ્યક્ષ રહેશે. લોક્સભામાં વિપક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંક્તિ કેન્દ્રીય મંત્રી તેના સભ્યો હશે.

કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ બિલ સુપ્રીમ કોર્ટના નિર્ણયને નબળો પાડે છે, જેમાં બંધારણીય બેન્ચે કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયામાં વડા પ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશ અને ચુંટણી કમિશનરની સલાહ મુજબ કરવું જોઈએ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, સીજેઆઈને તે પેનલમાં રાખવાની વાત થઈ હતી. પરંતુ આ કાયદો આવ્યા બાદ સીજેઆઇ પેનલમાંથી બહાર થઈ જશે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સંસદમાં આ અંગે કાયદો નહીં બને ત્યાં સુધી આ સિસ્ટમ અમલમાં રહેશે. જસ્ટિસ કે એમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે સર્વસંમતિથી ચુકાદામાં આ વાત કહી.

તાજેતરના ભૂતકાળમાં, કેન્દ્ર સરકાર અને સુપ્રીમ વચ્ચે ટકરાવની સ્થિતિ છે, પછી ભલે તે કોલેજિયમની ભલામણો ન સ્વીકારે કે કેન્દ્રીય મંત્રીઓની ટિપ્પણીઓ, દરેક વખતે આ વિવાદ જાહેરમાં સામે આવ્યો છે. તાજેતરમાં, બિલમાં સુધારો કરીને, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવી દીધો, જેમાં દિલ્હી સરકારને ગ્રેડ-છ અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ સત્તા આપવામાં આવી હતી.

કેન્દ્ર દ્વારા આ બિલ લાવવાની વાત આવતા જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપી હતી અને લખ્યું હતું કે – મેં પહેલા જ કહ્યું હતું – વડાપ્રધાન દેશની સુપ્રીમ કોર્ટમાં વિશ્ર્વાસ નથી કરતા. તેમનો સંદેશ સ્પષ્ટ છે – સુપ્રીમ કોર્ટનો જે પણ આદેશ તેમને પસંદ નથી, તેઓ સંસદમાં કાયદો લાવશે અને તેને ઉથલાવી દેશે. જો પીએમ ખુલ્લેઆમ સુપ્રીમ કોર્ટને સ્વીકારતા નથી, તો તે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે.

સુપ્રીમ કોર્ટે એક નિષ્પક્ષ સમિતિની રચના કરી હતી જે નિષ્પક્ષ ચૂંટણી કમિશનરની પસંદગી કરશે. સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવીને મોદીજીએ એક એવી કમિટી બનાવી જે તેમના નિયંત્રણમાં હશે અને જેના દ્વારા તેઓ પોતાની પસંદગીના વ્યક્તિને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરી શકશે. તેનાથી ચૂંટણીની નિષ્પક્ષતા પર અસર થશે એક પછી એક નિર્ણય લઈને વડાપ્રધાન ભારતીય લોક્તંત્રને નબળું પાડી રહ્યા છે.