સુપ્રીમ કોર્ટ ૭ મેના રોજ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુનાવણી કરશે

નવીદિલ્હી, ચાલી રહેલી લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની સંભાવના પર વિચાર કરશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આજે કહ્યું હતું કે તે મંગળવારે (૭ મે)ના રોજ વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે. કોર્ટે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને અરવિંદ કેજરીવાલના વકીલને તૈયાર રહેવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર ૭ મેના રોજ સુનાવણી કરશે. ચૂંટણીના કારણે સુપ્રીમ કોર્ટ તેમના વચગાળાના જામીન પર વિચાર કરશે. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આગામી સુનાવણીમાં વચગાળાની જામીનની શરતોનો પણ ખુલાસો કરવા કહ્યું છે. વચગાળાના જામીન આપવા કે નહીં તે અંગે અમે હજુ નિર્ણય લીધો નથી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મંગળવારે સવારે ૧૦.૩૦ વાગ્યે સુનાવણી કરીશું. કોર્ટે કહ્યું કે જો આ કેસ લાંબા સમય સુધી ચાલશે તો અમે વચગાળાના જામીન પર વિચાર કરીશું.

સુપ્રીમ કોર્ટે ઈડીને અન્ય એક પ્રશ્ર્નનો જવાબ પણ માંગ્યો કે શું કેજરીવાલ જેલમાંથી સત્તાવાર ફાઇલો પર સહી કરી શકશે? જસ્ટિસ ખન્નાએ EDને કહ્યું, અમે આજે કંઈ નથી કહી રહ્યા, પરંતુ અમે કહી શકીએ છીએ કે, મંગળવારે તૈયાર રહો. દિલ્હીની (હવે નિષ્ક્રિય) દારૂ નીતિમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ૨૧ માર્ચે આમ આદમી પાર્ટીના વડાની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી અદાલતોમાંથી રાહત ન મળતા કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. મનીષ સિસોદિયા અને સંજય સિંહ પછી ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થનાર આમ આદમી પાર્ટીના ત્રીજા અગ્રણી નેતા છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક સિંઘવીએ આજે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમની ધરપકડ ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે, કેજરીવાલે ED ના નવ સમન્સનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે ગેરહાજર એ ધરપકડનો આધાર ન હોઈ શકે.

કેજરીવાલ વતી સિંઘવીએ કહ્યું, જેના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે તે તમામ પુરાવા ૨૦૨૩ પહેલાના છે. દરેક સામગ્રી જુલાઈ ૨૦૨૩ની છે. મનીષ સિસોદિયાના કેસમાં પણ આ જ પુરાવા હતા, મની ટ્રેલ ચાર્ટ પણ. તે હતું.

કોર્ટે પૂછ્યું કે શું આમ આદમી પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? આના જવાબમાં સિંઘવીએ કહ્યું, કોઈપણ રાજકીય પક્ષના સંયોજક અથવા પ્રમુખ તેના દ્વારા કરવામાં આવેલ કોઈપણ વસ્તુ માટે જવાબદાર રહેશે નહીં, તેમણે પીએમએલએની કલમ ૭૦નો ઉલ્લેખ કરતા કહ્યું, જે કંપનીઓ દ્વારા આચરવામાં આવતા ગુનાઓ સાથે સંબંધિત છે ફક્ત કંપનીનો ઉલ્લેખ કરીને સ્ડ્ઢની ધરપકડ કરી શકાતી નથી, સિવાય કે તમે કંઈક બતાવો, આમ આદમી પાર્ટી સાથે પણ આવું જ છે.

સિંઘવીએ જવાબ આપ્યો, તેઓ કહે છે કે આપ પાછળ તેનું મગજ છે… તે લાંચ માંગવામાં સામેલ છે. આના કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી.