
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટ હવે નવી ટેકનોલોજી સાથે હાઈટેક થઈ ગઈ છે. ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડની આ નવી પહેલથી પેપરલેસ ગ્રીન કોર્ટરૂમ શરૂ થયો છે. ૭૩ વર્ષના ઈતિહાસમાં હવે ભારતીય ન્યાયતંત્ર સંપૂર્ણપણે હાઈટેક બનવાની શરૂઆત છે.
સુપ્રીમ કોર્ટની પ્રથમ પાંચ કોર્ટ ગ્રીન હાઈટેક કોર્ટ બની ગઈ છે. હવે કોર્ટમાં કોઈ ફાઈલો રહેશે નહીં, ન તો કોર્ટ રૂમમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયોના પુસ્તકો હશે.કોર્ટરૂમમાં મોટા એલસીડી પણ લગાવવામાં આવ્યા છે. વકીલો માટે પણ હાઇટેક સુવિધાઓ છે. મશીનો દ્વારા ન્યાયાધીશોને કાગળો બતાવી શકાશે અને ન્યાયાધીશો કાયદાના પુસ્તકોને બદલે ડિજિટલ રીતે વિવિધ ચુકાદાઓ પણ જોઈ શકશે.
ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પ્રથમ પાંચ કોર્ટરૂમ વાઇફાઇથી સજ્જ બન્યા છે અને હવે આ કોર્ટરૂમમાં કાયદાના પુસ્તકો અને કાગળો નથી. સુપ્રીમ કોર્ટના ડિજિટાઈઝેશન તરફના આ મોટા પગલાની જાહેરાત કરતા સીજેઆઇએ કહ્યું કે હવે પુસ્તકો ખતમ થઈ ગયા છે, તેનો અર્થ એ નથી કે અમને પુસ્તકોની જરૂર નથી.
ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ દ્વારા વર્ષની શરૂઆતમાં ઈ-એસસીઆર પ્રોજેક્ટની શરૂ કરાયો હતો. આ સાથે, તમામ ચુકાદાઓના ઈ-ડિજિટલ અહેવાલો, વકીલો માટે ઈ-ફાઈલિંગ અને વર્ચ્યુઅલ સુનાવણીના હેતુ માટે સુપ્રીમ કોર્ટમાં નિ:શુલ્ક ઑનલાઇન ઉપલબ્ધ થશે. સુનાવણીની શરૂઆતમાં જસ્ટિસ ચંદ્રચુડે બધું બરાબર ચાલી રહ્યું છે કે કે કેમ તે અંગે પણ પૃચ્છા કરી હતી. સુપ્રીમ કોર્ટે છ અઠવાડિયાના ઉનાળાના વિરામ બાદ ફરીથી કામ શરૂ કર્યું. કોર્ટે તમામ વકીલો, અરજદારો અને મીડિયા પર્સન તેમજ પરિસરમાં આવતા અન્ય મુલાકાતીઓને મફત વાઇ-ફાઇ સુવિધા પૂરી પાડી છે. આ પગલું ઇ-પહેલ હેઠળ લેવામાં આવ્યું છે અને આ સુવિધા પર લોગિન કરીને મેળવી શકાય છે. સુપ્રીમ કોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે યુઝર્સને તેમનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે, જેના પર તેમને વન ટાઈમ પાસવર્ડ મળશે અને તેઓ વેરિફિકેશન માટે તેનો ઉપયોગ કરવાનો રહેશે.