સંસદના બંને ગૃહો, લોક્સભા અને રાજ્યસભાના લગભગ ૧૦૦ સાંસદોએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને એસસી એસટી અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તેમની ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે અનામતનો લાભ પછાત સમુદાયના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગ સુધી પહોંચે તે સુનિશ્ર્ચિત કરવા અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો ઘણા એસસી એસટી સાંસદોએ વિરોધ કર્યો છે.
સાંસદોએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને, એસટી એસસી માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના અવલોકન અંગે સંયુક્ત રીતે એક મેમોરેન્ડમ સબમિટ કર્યું અને માંગ કરી કે આ ચુકાદો આપણા સમાજમાં લાગુ ન થવો જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને તેમને આશ્ર્વાસન આપ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરશે.
વાસ્તવમાં, ભાજપે કહ્યું છે કે એસટી/એસસી માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અંગે એક મેમોરેન્ડમ સબમિટ કરવામાં આવ્યું હતું અને સાંસદોએ માંગ કરી હતી કે આ ચુકાદો ભારતીય સમાજમાં લાગુ ન થવો જોઈએ.
હાલમાં સુપ્રીમ કોર્ટે અનામત મામલે ચુકાદો આપતા એસસી એસટી માટે અનામત ક્વોટામાં વધુ એક ક્વોટા અલગથી આપવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું કે જો રાજ્ય સરકાર ઈચ્છે તો, તે પોતાની વિવેકબુદ્ધિથી,એસસી અને એસટી બંને શ્રેણીઓમાં વંચિત જાતિઓને અલગ ક્વોટા આપી શકે છે. પરંતુ ક્વોટા આપવાનો માર્ગ એટલો સરળ નથી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજ્ય સરકારો માટે જરૂરિયાતમંદ જાતિઓને ક્વોટામાંથી ‘ક્વોટા’ આપવાનો માર્ગ ખુલી ગયો છે.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે બંને વર્ગોને યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે તમામ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે, જેમ કે જેઓ ગટર સાફ કરે છે અને જેઓ વણકર તરીકે કામ કરે છે. આ બંને એસસી કેટેગરીના છે પરંતુ તેઓ અન્ય કરતા વધુ પછાત છે. તેમના ઉત્થાન માટે, રાજ્ય સરકાર ST SC અનામતને પેટા-વર્ગીકરણ કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આ બંધારણના અનુચ્છેદ ૩૪૧ની વિરુદ્ધ નથી.