સુપ્રીમ કોર્ટ: ૧૫ માર્ચે સુનાવણી કરશે કે નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવી જોઈએ કે નહીં

  • મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ પર ચૂંટણી કમિશનરને દૂર કરી શકાય છે.

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટ નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિમણૂક સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. કોર્ટે કેસની સુનાવણી માટે ૧૫ માર્ચની તારીખ નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની ખાલી પડેલી બે જગ્યાઓ ભરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક જ દિવસે બેઠક યોજાવા જઈ રહી છે.

આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. એવી માંગણી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારે નવા કાયદા ચૂંટણી કમિશનર (સેવા અને વ્યવસાયની શરત) અધિનિયમ, ૨૦૨૩ હેઠળ ચૂંટણી કમિશનરની નિમણૂકને મંજૂરી આપવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસને તાત્કાલિક સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનું વિચારવાનું કહ્યું છે.

નોંધનીય છે કે અરુણ ગોયલના ચૂંટણી કમિશનર પદેથી અચાનક રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નેતા જયા ઠાકુરે આ અરજી દાખલ કરી છે. હાલમાં ચૂંટણી પંચમાં કમિશનરની ત્રણમાંથી બે જગ્યા ખાલી છે. ચૂંટણી પંચમાં એકમાત્ર સભ્ય તરીકે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બાકી છે. અગાઉ, અનૂપ પાંડે ફેબ્રુઆરીમાં ચૂંટણી કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા હતા.

જયા ઠાકુરે પોતાની અરજીમાં કહ્યું હતું કે ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને તેમની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ અંગે સુપ્રીમ કોર્ટે ૧૨ જાન્યુઆરીએ નોટિસ જારી કરી હતી. દરમિયાન ચૂંટણી પંચના સભ્ય અરુણ ગોયલે રાજીનામું આપી દીધું હતું. અરજદારે કહ્યું કે, લોક્સભાની ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. તેથી ચૂંટણી કમિશનરોની પણ તાત્કાલિક ભરતી કરવાની જરૂર છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે નિમણૂક અંગે સ્પષ્ટ માર્ગદશકા જારી કરવાની જરૂર છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ અંગે શુક્રવારે એક સરકારી સૂચના જારી કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળની મુદત) બિલ, ૨૦૨૩ મુખ્ય ચૂંટણીની નિમણૂક માટે રાષ્ટ્રપતિને ભલામણો કરવા માટે વડા પ્રધાન, વિપક્ષના નેતા અને કેન્દ્રીય પ્રધાનના નેતૃત્વમાં કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો એક પસંદગી સમિતિની જોગવાઈ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર/કમિશનરના પગાર અંગે કલમ ૧૦માં સુધારો કરવામાં આવ્યો છે. હાલમાં કમિશનરોને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જેટલો જ પગાર મળે છે, પરંતુ નવા કાયદા હેઠળ કમિશનરોનો પગાર કેબિનેટ સેક્રેટરી જેટલો જ કરવામાં આવ્યો છે. કેબિનેટ સચિવનો પગાર ન્યાયાધીશો જેટલો જ છે, પરંતુ ભથ્થાં અને અન્ય સુવિધાઓમાં નોંધપાત્ર તફાવત છે. સેવાની શરતો સંબંધિત કલમ ૧૫માં સુધારા સાથે કલમ ૧૫(છ) ઉમેરવામાં આવી છે, જે ચૂંટણી કમિશનરોને કાનૂની રક્ષણ સાથે સંબંધિત છે. કલમ ૧૫માં કમિશનરોના પ્રવાસ ભથ્થા, મેડિકલ, એલટીસી અને અન્ય સુવિધાઓનો ઉલ્લેખ છે, જ્યારે કલમ ૧૫ (છ) જણાવે છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સામે કોઈ એફઆઈઆર દાખલ કરી શકાતી નથી. માત્ર આ નિર્ણયોને કોર્ટમાં પડકારી શકાય છે.

ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત વિભાગમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં કમિશનરની સર્ચ પેનલનું ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. સુધારા બાદ હવે કમિશનરની નિમણૂક પહેલા દેશના કાયદા મંત્રી અને ભારત સરકારમાં સચિવ રેક્ધના બે અધિકારીઓ મળીને પાંચ વ્યક્તિઓની પેનલ તૈયાર કરશે. આ પેનલમાંથી આગામી કમિશનરની નિમણૂક કરવામાં આવશે. કલમ ૧૧માં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. મુખ્ય કમિશનરને ફક્ત સુપ્રીમ કોર્ટના જજની પ્રક્રિયા દ્વારા જ દૂર કરી શકાય છે, જ્યારે ચૂંટણી કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ પર દૂર કરી શકાય છે.-