સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની વાત ડોક્ટર્સે માની લીધી, હડતાળ ખતમ કરી કામ પર પરત ફર્યા

કોલકાતાની આરજી કર ડોક્ટર ડેથ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ એઈમ્સ-આરએમએલના રિઝેડેન્ટ ડોક્ટર્સને હડતાળ ખતમ કરી દીધી છે. તેના બે કલાક પહેલા સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે ડોક્ટર્સને કહ્યું હતું કે, તમે હડતાળ ખતમ કરો. અમે આપની દરેક વાત સાંભળવા તૈયાર છીએ. કોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું કે, ડોક્ટર્સ કામ પર પરત ફરવા માટે તૈયાર છે, પણ રાજ્ય સરકારોને સુરક્ષા માટે પગલા ઉઠાવવા પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવને નિર્દેશ આપ્યા છે કે, રાજ્યના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે બેઠક કરીને સુરક્ષાના મુદ્દાનું નિવારણ લાવે. એક અઠવાડીયામાં આ કામ થઈ જાય અને રાજ્ય સરકારો બે અઠવાડીયામાં પગલા ભરે. સીજેઆઈની આ વાત એઈમ્સના ડોક્ટર્સે માની લીધી અને કામ પર પરત ફર્યા. જો કે, હજુ પણ કેટલાય યુનિયન હડતાળ પર છે.

કોલકાતામાં મહિલા ડોક્ટરના રેપ બાદ હત્યાથી ડોક્ટર્સ ખૂબ જ નારાજ છે. સુરક્ષા આપવાની માગ કરતા દિલ્હી એઈમ્સ રેઝિડેન્ટ ડોક્ટર એસોસિએશનના બેનર હેઠળ તમામ ડોક્ટર્સે કામકાજ ઠપ કરી દીધા હતા. હવે સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે વિશ્ર્વાસ અપાવ્યો છે કે, ૧૧ દિવસ બાદ એઈમ્સના ડોક્ટર્સે સ્ટ્રાઈક ખતમ કરવાની જાહેરાત કરી છે. એક સ્ટેટમેન્ટ જાહેર કરીને એસોસિએશન તરફથી કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આશ્ર્વાસન બાદ સ્ટ્રાઈકને ખતમ કરવામાં આવી રહી છે. સ્ટેટમેન્ટમાં એવું પણ કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હડતાળી ડોક્ટર્સ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાી નહીં થાય, તે મોટી રાહતની વાત છે.

આ અગાઉ ડોક્ટર્સ તરફથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. તેમને નોકરીમાંથી કાઢી પણ શકે છે. પણ સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સને વિશ્ર્વાસ અપાવ્યો છે કે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. કોર્ટે કહ્યું કે, જજ અને ડોક્ટર્સ ક્યારે હડતાળ પર નથી જઈ શક્તા. તમે ફરી વાર આવો, અને જણાવે કે સૌ કોઈ કામમાં પર પાછા ફરી ગયા છે. અમે ખાતરી કરીશું કે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય. આ કેસમાં કોલકાતા સરકાર તરફથી કપિલ સિબ્બલે દલીલો રજૂ કરી હતી. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.