મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૭મી સિઝન ૨૨ માર્ચથી શરૂ થઈ રહી છે. આગામી સિઝનથી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન પેટ કમિન્સ આઇપીએલ ૨૦૨૪માં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે. કમિન્સને આગામી સિઝન માટે ફ્રેન્ચાઇઝી દ્વારા કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટ્વીટ કરીને સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્વિટ કર્યું, ’ઓરેન્જ આર્મી. પેટ કમિન્સ આઇપીએલ ૨૦૨૪ માટે અમારા નવા કેપ્ટન છે. કમિન્સે સાઉથ આફ્રિકાના એડન માર્કરામનું સ્થાન લીધું છે. કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદનો ૧૦મો કેપ્ટન હશે.
સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલ ૨૦૨૩ની હરાજીમાં પેટ કમિન્સને ૨૦.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સુકાની તરીકે કમિન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી છે. પેટ કમિન્સની કપ્તાની હેઠળ, ઓસ્ટ્રેલિયાએ વર્ષ ૨૦૨૩માં બે આઇસીસી ટાઇટલ (ઉ્ઝ્ર ફાઇનલ અને ક્રિકેટ વર્લ્ડ કપ) જીત્યા હતા. આ બંને ટાઇટલ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને જીત્યા હતા. પેટ કમિન્સે વર્ષ ૨૦૨૩માં કુલ ૨૪ આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે ૪૨૨ રન બનાવ્યા અને ૫૯ વિકેટ લીધી.
તમને જણાવી દઈએ કે આઈપીએલ ૨૦૨૩માં એઈડન માર્કરામે સનરાઈઝર્સ હૈદરાબાદની આગેવાની કરી હતી, જોકે ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે છેલ્લા સ્થાને રહી હતી. માર્કરામે ૧૩ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી હતી, જેમાં ટીમ માત્ર ચાર મેચ જીતી શકી હતી. હવે કાવ્યા મારનની ટીમે કમિન્સ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.