
મુંબઇ, ગદ્દર ટુની સફળતા પછી સની દેઓલની ડિમાન્ડ બોલીવૂડમાં વધવાની સાથેસાથે દક્ષિણની ફિલ્મોમાં પણ વધી ગઇ છે. એક રિપોર્ટના અનુસાર સનીએ દક્ષિણના અભિનેતા રવિ તેજાની ફિલ્મ આચકી લીધી છે. જોકે સની દેઓલે આ ફિલ્મ સાઇન કરી છે તેવી સત્તાવાર ઘોષણા સની દેઓલ કે પછી નિર્માતાએ કરી નથી.
રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે,એક ફિલ્મમાં રવિ તેજાના સ્થાને સની દેઓલને ગોઠવી દેવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્માણ મૈત્રી મૂવીમેર્ક્સનું છે. રવિ તેજા સાથે તેમણે પહેલા જ એક બિગ બજેટ ફિલ્મની ઘોષણા કરી હતી. આ ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા હતું. રવિતેજાએ આ પહેલા આ ફિલ્મસર્જકની ફિલ્મ ક્રૈક કરી હતી જે હિટ ગઇ હતી. પરંતુ પછીથી રવિની ઝોળીમાં કોઇ હિટ ફિલ્મ આવી નથી. તેથી હવે સાઉથની ઇન્ડસ્ટ્રી તેની સાથે કામ કરવા જલદી તૈયાર થતા નથી. આ ફિલ્મના બજેટને સમતોલ કરવા માટે રવિ તેજાને નિર્માતાએ ફીમાં ઘટાડો કરવાનું કહ્યું હતું.