બોઈંગ સ્ટારલાઈનરના અવકાશયાત્રીઓએ આ વખતે જ્યારથી તેમની અંતરિક્ષની મુસાફરીની યોજના બનાવી છે, ત્યારથી કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ બંને અવકાશયાત્રીઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISC)માં મોકલવામાં આવ્યા હતા. હવે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને ઘરતી પર પાછા ફરવામાં વિલંબ થઈ રહ્યો છે. એન્જિનિયર્સનું કહેવું છે કે, ટૂંક સમયમાં અવકાશયાનની ખામી દૂર કરવામાં આવશે અને તેમને ધરતી પર પાછા લાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પહોંચ્યા હતા. સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રીટર્ન મોડ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ના હાર્મની મોડ્યુલ પર ડોક થયું છે. જો કે, હાર્મની મોડ્યુલમાં માત્ર મર્યાદિત બળતણ બાકી છે. સ્ટારલાઈનમાં પાંચ જગ્યાએથી હિલીયમ લીકેજને કારણે, ધરતી પર પરત ફરવાની યાત્રા શરૂ થઈ શકી નથી. સીએનએનના મીડિયા અહેવાલ મુજબ, સ્ટારલાઈનર પાસે પાંચ થ્રસ્ટર્સ છે જેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
દરમિયાન સોશિયલ મીડિયા પર યુઝર્સ કહી રહ્યા છે કે, સ્ટારલાઈનર દ્વારા અવકાશ યાત્રા ખૂબ જ જોખમી છે. હવે અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે SpaceX મોકલવું આવશ્યક છે. અવકાશયાત્રી જોનાથન મેકડોવેલે કહ્યું કે, જો કેટલાક થ્રસ્ટર્સ નિષ્ફળ જાય તો પણ બંને અવકાશયાત્રીઓ ધરતી પર સુરક્ષિત રીતે પાછા આવી શકે છે. આ નાની સમસ્યાઓને કારણે તેમના ધરતી પરના ઉતરાણમાં કોઈ ફરક નહીં પડે. સૌથી ખરાબ બાબત તો એ છે કે અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર એલન મસ્કના ડ્રેગન અવકાશયાનની રાહ જુએ છે.
અત્રે ઉલ્લેખનીય છે બે અસફળ પ્રયાસો બાદ બોઈંગ સ્ટારલાઈનર, ગત 5 જૂને બંને અવકાશયાત્રીઓ સાથે અંતરિક્ષમાં રવાના થઈ હતી. 25 કલાકની મુસાફરી દરમિયાન અવકાશયાનમાં પાંચ જગ્યાએથી હિલિયમ લીક થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાંચ થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. બોઇંગ સ્ટારલાઇનર પ્રોગ્રામના મેનેજરે પોતે કહ્યું હતું કે, તેમની હિલીયમ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી હતી તે રીતે કામ કરી રહી નથી. ઇજનેરોને પણ ખબર નથી કે સમસ્યા શું છે.