લંડન,ભારતીય મૂળના ૠષિ સુનક બ્રિટનના પીએમ બન્યા ત્યારથી ભારતમાં ચર્ચામાં રહ્યા છે.સુનક ભારતના જમાઈ પણ છે.કારણકે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે સુનકે લગ્ન કર્યા છે. હવે નારાયણ મૂર્તિના પત્ની અને અક્ષતાના માતા સુધા મૂર્તિનો એક વિડિયો વાયરલ થઈ રહયો છે.જેમાં તેઓ કહે છે કે, ૠષિ સુનક મારી પુત્રીના કારણે બ્રિટનના સૌથી યુવા પીએમ બન્યા છે. મેં મારા પતિને બિઝનેસમેન બનાવ્યા હતા અને અક્ષતાએ પોતાના પતિને બ્રિટનના પીએમ બનાવ્યા છે. જુઓ એક પત્ની કેવી રીતે પોતાના પતિને બદલી શકે છે.
સુધા મૂર્તિનુ કહેવુ છે કે, અક્ષતા હંમેશા સુનકના ડાયેટ અંગે ચિંતિત રહે છે.સુનક પણ અમારી પરંપરાઓનુ ધ્યાન રાખે છે.મૂર્તિ પરિવારમાં લાંબા સમયથી દરેક ગુરુવારે વ્રત રાખવાની પરંપરા રહી છે.સુનક ભલે શરુઆતથી બ્રિટનમાં રહેતા હોય પણ તેઓ બહુ ધાર્મિક છે.તેમણે અક્ષતા સાથે લગ્ન કર્યા બાદ અમારા પરિવારની પરંપરાઓને કાયમ સન્માન આપ્યુ છે અને તેઓ પણ ગુરુવારે વ્રત રાખે છે. તેમના માતા સોમવારના ઉપવાસ કરે છે. જણાવી દઈએ કે સુનક અને અક્ષતાની મુલાકાત અણેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસ દરમિયાન થઈ હતી.૨૦૦૯માં બેંગલુરુમાં બંનેના ભારતીય રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.અક્ષતા બ્રિટનમાં પોતાની ફેશન બ્રાન્ડ ચલાવે છે.તે બ્રિટનની સૌથી ધનિક મહિલાઓ પૈકીની એક છે.આ દંપતીને કૃષ્ણા અને અનુષ્કા નામની બે દીકરીઓ છે.
સુનકે ૨૦૧૪માં રાજકારણમાં પગ મુક્યો હતો.બે વખત તેઓ સંસદની ચૂંટણી જીતી ચુકયા છે.૨૦૨૦માં તેમને બ્રિટનના નાણા મંત્રી બનાવાયા હતા અને બોરિસ જોનસને પીએમ તરીકે આપેલા રાજીનામા બાદ નવા પીએમ બનવા માટે સુનક અને લિઝ ટ્રસ વચ્ચે સ્પર્ધા હતી.જેમાં લિઝ ટ્રસ બાજી મારી ગયા હતા.જોકે તેમના નિર્ણયોથી બ્રિટનની ઈકોનોમીને ભારે ફટકો વાગ્યો હતો.લિઝ ટૂસે પીએમ બન્યાના ૬ જ સપ્તાહમાં રાજીનામુ આપ્યા બાદ નવા પીએમ તરીકે સુનકની વરણી થઈ હતી.