- પંદર દિવસથી નળ દ્વારા અપાતું પીવાનું પાણી ફીણ વાળું અને ડહોળું આવતાં પંચાયત સત્તાધિશોને રજૂઆત છતાં પરિણામ શૂન્ય.
ફતેપુરા, પ્રજા સુવિધાઓ મેળવવા માટે વિવિધ પ્રકારના વેરા ભરે છે. તેની સામે પ્રજાને સુવિધાઓ મળવી જોઈએ તે જવાબદાર તંત્રોની જવાબદારી છે. છતાં કેટલીક જગ્યાએ પ્રજાને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ પૈકી કોઈ ઉણપ જણાય અને તેની અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક જવાબદાર વહીવટી તંત્ર આંખ આડા કાન કરે તે યોગ્ય નથી. તેવી જ રીતે સુખસર ખાતે ગ્રામ પંચાયત દ્વારા નળ દ્વારા આવા આપવામાં આવતા પાણી છેલ્લા પંદર દિવસથી ફીણવાળુ અને ડહોળું પાણી અપાતા તેની ગ્રામ પંચાયત સત્તાધિકોને અનેકવાર રજૂઆત કરવા છતાં તેમાં સુધાર કરવામાં નહીં આવતો હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠવા પામી છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પંચાલ ફળિયામાં સુખસર ગ્રામ પંચાયત દ્વારા નળ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે. જેમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી ડહોળું અને ફીણવાળું આવતાં તે બાબતે ગ્રામ પંચાયત સત્તાધીશોને સ્થાનિક રહીશોએ અનેક વાર રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. તેમ છતાં હજી સુધી સ્થાનિકોની રજૂઆત પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે. તેમ જ આ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તેવો પણ સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે અને સ્થાનિકો દ્વારા આવા પાણીના લીધે રહીશોમાં રોગચાળો ભરડામાં લેશે. ત્યારે તેની તમામ જવાબદારી ગ્રામ પંચાયત સત્તાધીશો સહિત લાગતા વળગતા તંત્રની રહેશે તેવો સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે સુખસર પંચાલ ફળિયા ખાતે ગ્રામ પંચાયત દ્વારા નળ દ્વારા આપવામાં આવતા પાણી બાબતે સુધારા આવે તે પ્રત્યે જવાબદાર તંત્ર તાત્કાલિક ધ્યાન આપે તેવી માંગ ઉઠવા પામેલ છે.