સુખસર ધાણીખુટથી ગરાડુનો 3 કિ.મી.નો માર્ગ અધુરો રહેતા વાહનચાલકોને મુશ્કેલી

સુખસર,ફતેપુરા તાલુકાના સુખસરથી નાની ઢઢેલી ભીતોડી થઈ ઢઢેલા સુધીનો આશરે 8 કિ.મી.જેટલો માર્ગ લાંબા સમયથી અનેક જગ્યાએ તુટી જવા પામેલ છે. જેના લીધે વાહનચાલકો, મુસાફર જનતા તથા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમજ વાહનચાલકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યુ છે તેમજ મુસાફર જનતા શારીરિક સમસ્યાનો ભોગ બની રહી છે. ત્યારે આ રસ્તાની કામગીરી વહેલી તકે હાથ ધરી રિકાર્પેટિંગ કરવા વાહનચાલકો સહિત મુસાફર જનતાની માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનિય છે કે, ચોમાસા પહેલા આ રસ્તાની રિકાર્પેટિંગની કામગીરી થઈ જવી જરૂરી છે. ધાણીખુટથી ગરાડુ જતા 8 કિ.મી.રસ્તા પૈકી સાડા ત્રણ કિ.મી.રસ્તો બનાવવા ઠાગાઠૈયા થઈ રહ્યા છે. ફતેપુરા તાલુકાના ધાણીખુટથી નાના-મોટા બોરીદા, કાળિયા, ધાટાવાડા થઈ ગરાડુ સુધી ફતેપુરા-ઝાલોદ માર્ગને જોડતા દ્ધિમાર્ગીય 8 કિ.મી.માર્ગની ગત એકવર્ષ અગાઉ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેની ધાણીખુટથી કાળિયા સુધી સાડા 4 કિ.મી.જેટલી કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. ત્યારબાદ કાળિયાથી ગરાડુ સુધીના સાડા 3 કિ.મી.ની કામગીરી સાઈડ પુરાણ કર્યા બા એક વર્ષ જેટલો સમય વિતવા છતાં આજદિન સુધી હાથ ધરાતી નથી. જો આ 8 કિ.મી.નો માર્ગ તૈયાર થઈ જાય તો આ માર્ગ રાજસ્થાન તરફથી અવર જવર કરતા વાહનચાલકો માટે શોર્ટકટ રસ્તો મળી રહે છે.