સુખસર બસ સ્ટેન્ડ વિસ્તારમાં રાત્રિના સમયે બે કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી 3 લાખની મત્તાની ચોરી કરી

દાહોદ,

ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તાર હાઈવે માર્ગ ઉપર 24 કલાક અવર જવર કરતા વાહનોથી ધમધમતા રહેતા વિસ્તારમાં રાત્રિના બે કરિયાણાની દુકાનોમાં ત્રણ જેટલા જાણભેદુ તસ્કરો દ્વારા સવા ત્રણ લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જવા પામેલ હોવાનુ જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બસ સ્ટેશન ચોકડી પાસે કરિયાણાની દુકાન ધરાવતા હિરાલાલ મોતીલાલ કલાલ પોતાની દુકાનને તાળા મારી રહેણાંક મકાન ઉપર ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે કોઈ જાણભેદુ તસ્કરોએ દુકાનના ધાબા ઉપર આવેલ લોખંડના દરવાજાને નીચેથી વાળી દઈ તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. અને દુકાનમાંથી રૂ.3600/-નુ પરચુરણ તથા રૂ.3200/-ની ચલણી નોટો સહિત રૂ.20,500/-ની ચોરી કરી સી.સી.ટી.વી.કેમેરાની તોડફોટ કરી કુલ રૂ.40,500/-નુ નુકસાન પહોંચાડ્યુ હતુ. જયારે બાજુમાં રહેતા નગીનભાઈ દિપચંદભાઈ કલાલનાઓ પણ કરિયાણાની દુકાન ધરાવે છે જેઓ પણ પોતાની દુકાનને તાળુ મારી પોતાના રહેણાંક મકાન ઉપર ગયા બાદ જાણભેદુ તસ્કરોએ દુકાનના ધાબા ઉપર ઉજાસ માટે રાખેલ લોખંંડની જાળી તોડી હત. અને દુકાનમાં પ્રવેશી કરિયાણાની ચીજવસ્તુઓ સહિત પરચુરણ મળી કુલ રૂ.2,56,200/-ના સામાનનો ચોરી કરી રૂ.28,000/-ના સી.સી.ટી.વી.કેમેરાની તોડફોડ કરી કુલ રૂ.2,84,200/-નુ નુકસાન પહોંચાડી જાણભેદુ તસ્કરો પાછળની બાજુએથી ફરાર થઈ ગયા હતા.