સુકાની રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

ભારતે ટી ૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લીધું છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને ૬૮ રનથી હરાવ્યું હતું. ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આફ્રિકાની ટીમે પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે ૩૯ બોલમાં ૫૭ રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે ૬ ફોર અને ૨ સિક્સર ફટકારી હતી. રોહિતે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ તોડ્યા અને કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી

રોહિત શર્માએ ટી ૨૦ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ૫૦ સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ મામલે વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેના નામે ૩૩ સિક્સર છે. યુવરાજ સિંહે પણ ૩૩ સિક્સર ફટકારી છે. સૂર્યકુમાર યાદવના નામે ૨૧ છગ્ગા છે.

જો આપણે ભારત માટે સિરીઝ કે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની વાત કરીએ તો રોહિત શર્મા વનડે અને ટી૨૦માં વર્ચસ્વ ધરાવે છે. રોહિતે ૨૦૨૩ વનડે વર્લ્ડ કપમાં ૩૧ સિક્સર ફટકારી હતી. હવે તેણે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ૧૫ સિક્સર ફટકારી છે. ટેસ્ટની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ ટોપ પર છે. તેણે ૨૦૨૪માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ૨૪ છગ્ગા ફટકાર્યા હતા. જો આઈપીએલની વાત કરીએ તો અભિષેક શર્મા નંબર-૧ પર છે. તેણે આઇપીએલ ૨૦૨૪માં ૪૨ સિક્સર ફટકારી હતી.

રોહિત શર્મા ટી ૨૦ વર્લ્ડ કપમાં ૧૨૦૦ રન પૂરા કરનાર વિશ્ર્વનો બીજો બેટ્સમેન બન્યો છે. રોહિતે ૧૨૧૧ રન બનાવ્યા છે. તે વિરાટ કોહલીથી માત્ર ૫ રન પાછળ છે. વિરાટના ૧૨૧૬ રન છે. તે ટી ૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રોહિત હવે તેના રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને ત્રીજા સ્થાને છે. તેણે ૧૦૧૬ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરના નામે ૧૦૧૩ રન છે.

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે ૫૦૦૦ રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે પાંચમો ખેલાડી છે. ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ૧૨૮૮૩ રન, મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૧૨૦૭ રન, મોહમ્મદ અઝહરુદ્દીને ૮૦૯૫ રન અને સૌરવ ગાંગુલીએ ૭૬૪૩ રન બનાવ્યા છે.

રોહિત શર્મા આઇસીસી નોકઆઉટ મેચોમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો છે. તેના ખાતામાં ૨૨ છગ્ગા હતા. તેણે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. ગેલે ૨૧ સિક્સર ફટકારી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ૧૮ સિક્સર, ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર એડમ ગિલક્રિસ્ટે ૧૫ સિક્સર અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓપનર માટન ગુપ્ટિલે ૧૫ સિક્સર ફટકારી છે.

રોહિતે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં ૫૭ રનની ઈનિંગ રમી હતી. તે ટી ૨૦ વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં અડધી સદી ફટકારનાર ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો હતો.