સુઇગામના નવાપુરામાં વીજળી પડતા બે સગી બહેનોના મોત થતા પરિવારમાં શોક

બનાસકાંઠાના સુઇગામ તાલુકાના નવાપુરા ગામમાં મંગળવારે સાંજના સમયે વીજળી પડતાં બે સગી બહેનોના કરુણ મોત થયા છે. બંને બહેનો ખેતરમાં ઘરની આગળથી પસાર થઇ રહી હતી. તે સમયે આ ઘટના બની હતી. સગી બહેનોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. મૃતક આરતી અને ખુશી ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ ૭ અને ૮માં અભ્યાસ કરતી હતી.

પરિવારજનો તેમજ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બંનેને ૧૦૮ની મદદથી સુઈગામ અને ત્યાથી થરાદ વધુ સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત ઘોષિત કરી હતી. ત્યાંથી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સૂઇગામની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

મામલતદાર નવીનચંદ્ર મારૂએ જણાવ્યું હતું કે, ખેતરમાં રહેતા દિનેશભાઇ ઠાકોરની બે પુત્રી આરતી ઉ.વ. ૧૩ અને ખુશી ઉ.વ. ૧૨ ઘર આગળથી પસાર થઇ રહી હતી. તે સમયે અચાનક વીજળી પડતા બંને અચાનક જમીન પર ઢળી પડી હતી.

ગામના તલાટીના જણાવ્યા પ્રમાણે, ખેડૂત દિનેશ રણછોડભાઇ ઠાકોર તેની પત્ની અને બે દીકરા અને ત્રણ દિકરી સાથે ગામના ખેડૂતને ત્યાં ભાગીયા તરીકે કામ કરતા હતા. અને અચાનક વીજળી પડતા બે સગી બહેનોના મોત થયા છે.