મુંબઇ,ઉદ્ધવ ઠાકરેએ નાશિકના માલેગાંવમાં જનસભાને એક સંબોધી હતી. આ જનસભામાં તેમણે રાહુલ ગાંધીથી લઈને એકનાથ શિંદે , ભાજપ અને ધારાસભ્ય સુહાસ કાંદે પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે “તમે કહો છો કે કાંદા (ડુંગળી)ને ભાવ મળ્યો, પરંતુ હું કહું છું કે ગયા વર્ષે એક કાંદે (ધારાસભ્ય સુહાસ કાંદે) ૫૦ કરોડમાં વેચાયા હતા.
ઉદ્ધવ ઠાકરેની આ તીખી ટિપ્પણી બાદ ધારાસભ્ય સુહાસ કાંદેએ પણ ઉદ્ધવ ઠાકરેના આ આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે “આ આરોપોની તપાસ કરવા માટે મારો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ સાથે ઉદ્ધવ ઠાકરેનો નાર્કો ટેસ્ટ પણ થવો જોઈએ. આ સિવાય હું જે કોન્ટ્રાક્ટરોના નામ લઈ રહ્યો છું, તેમના પણ નાર્કો ટેસ્ટ કરાવવા જોઈએ.” સુહાસ કાંદે અહીં અટક્યા નહતા, તેમણે એમ પણ કહ્યું કે શ્રીધર પાટણકરનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. તેમ જ તે દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કેટલા લોકોને ફોન કર્યા, કેટલા લોકોએ મધ્યસ્થી કરી. આ તમામ બાબતોની પણ તપાસ થવી જોઈએ.”
આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે “સુહાસ કાંદેએ રાજકારણનું સ્તર એટલું નીચું ન લઈ જવું જોઈએ. કેન્દ્ર અને રાજ્યમાં તેમની પોતાની સરકાર છે. જો તેમ હોય તો તેમની તપાસ થવી જોઈએ. નિવેદનો આપીને કોઈને બદનામ ન કરવા જોઈએ, જ્યાં સુધી રૂા. ૫૦ કરોડની વાત છે, આ આરોપ મહારાષ્ટ્ર અને દેશના લોકો લગાવી રહ્યા છે.”
શ્રીધર પાટણકર ઉદ્ધવ ઠાકરેના સાળા છે. ગયા વર્ષે, મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ પાટણકરની રૂા. ૬ કરોડની સંપત્તિ પણ ટાંચમાં લીધી હતી. જોકે, આ જ કેસમાં સીબીઆઈએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો, જેનો ઇડી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો હતો.