નવીદિલ્હી,આંતરિક ગૃહ યુધ્ધના કારણે ખુવાર થઈ રહેલા આફ્રિકન દેશ સુદાનની આર્થિક હાલત પણ દયાજનક છે. સુદાનમાં પેટ્રોલ ડિઝલની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે આ દેશમાં હવે ગધેડાઓની ડિમાન્ડ વધી ગઈ છે. લોકો મુસાફરી માટે ગધેડા જોડેલી ગાડીઓ પર વધારે આધાર રાખી રહ્યા છે. અરાજક્તા, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અને આમ છતા ફ્યૂલની અછતના કારણે સુદાનમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.લોકોને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી આવી રહી છે. ગધેડા ગાડીઓ એમ્બ્યુલન્સ તરીકે કામ કરતી હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.
અહેવાલ અનુસાર સુદાનમાં ચાલી રહેલા સિવિલ વોરમાં હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકો વિસ્થાપિત થઈ ચુકયા છે. આ દેશમાં લશ્કર અને અર્ધ લશ્કરી દળો સત્તા માટે આમને સામને લડી રહ્યા છે.
જોકે તેમાં આમ જનતા પિસાઈ રહી છે.કારણકે પેટ્રોલ પંપો સુધી પેટ્રોલ અને ડીઝલ પહોંચી રહ્યુ નથી. ફ્યુલની અછતના કારણે અત્યારે સુદાનમાં એક લીટર પેટ્રોલ ૨૫૦૦૦ સુદાની પાઉન્ડ એટલે કે ૧૬૫૪ રૂપિયે વેચાઈ રહ્યુ છે.રિપોર્ટ પ્રમાણે અવર જવર માટે ગધેડાઓની માંગ એટલી વધી ગઈ છે કે, અહીંના માર્કેટમાં ગધેડાઓ પણ ૩૫૦ થી ૪૫૦ ડોલર એટલે કે ૩૦૦૦૦ થી ૩૭૦૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. લોકો પાસે અવર જવર કરવા માટે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. પેટ્રોલ ડિઝલની સાથે સાથે ખાવા પીવાની વસ્તુઓના સપ્લાય પર પણ આંતરિક હિંસાની માઠી અસર પડી રહી છે.