સુદાનમાં ગૃહ યુદ્ધ: ભારતીયોને સુરક્ષિત લાવવાનો પીએમ મોદીનો નિર્દેશ

ખાર્તુમ,સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધને કારણે ત્યાંની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. આવા સંજોગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ફસાયેલા ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરી હતી અને સંબંધિત અધિકારીઓને વહેલામાં વહેલી તકે તેમને ત્યાંથી ખસેડવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે વડા પ્રધાન મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)વતીથી શુક્રવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે પીએમ મોદીએ સુદાનમાં સતર્ક રહેવા, સમગ્ર ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખવા અને ભારતીય નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે. પીએમ મોદીએ સુદાનમાંથી ભારતીયો માટે આકસ્મિક સ્થળાંતર યોજના તૈયાર કરવા અને તેમની સુરક્ષા અને વિકલ્પોની શક્યતાના સંદર્ભમાં ઝડપી ફેરફારો કરવા સૂચના આપી છે.

આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર, વાયુસેના અને નૌકાદળના વડાઓ, વિદેશ અને સંરક્ષણ મંત્રાલયના ટોચના અધિકારીઓની સાથે વરિષ્ઠ રાજદ્વારીઓએ હાજરી આપી હતી. જયશંકર હાલ ગુયાનાના પ્રવાસે છે. જણાવી દઈએ કે હાલમાં ૩૦૦૦થી વધુ ભારતીયો સુદાનમાં ફસાયેલા છે. રાજધાની ખાર્તુમમાં સંઘર્ષને કારણે તેમને બહાર કાઢવામાં મુશ્કેલીઓ આવી રહી છે.

અહીં એ જણાવવાનું કે સુદાનની રાજધાની ખાર્તુમ અને દેશના અન્ય ભાગોમાં હિંસામાં એક ભારતીય સહિત ૩૦૦થી વધુ લોકોના મોત થયાં છે. ભારતે ગઈકાલે કહ્યું હતું કે સુદાનમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને તે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે યુએસ, બ્રિટન, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સહિતના વિવિધ દેશો સાથે નજીકથી સંકલન કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પાટનગરમાં કહ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસ પછી પણ સુદાનમાં સંઘર્ષ શમ્યો નથી, હજુ લડાઈ ચાલુ છે અને તંગ પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં અમે ભારતીયોને વિનંતી કરીએ છીએ કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે અને છોડે નહીં. સુદાનમાં ભારતીય દૂતાવાસ ઔપચારિક, અનૌપચારિક ચેનલો દ્વારા ભારતીય સમુદાયના સંપર્કમાં છે. આ સંઘર્ષ દેશના લશ્કરી નેતૃત્વમાં સત્તા સંઘર્ષનું સીધું પરિણામ છે. સુદાનની નિયમિત સેના અને દેશમાં રેપિડ સપોર્ટ ફોર્સીસ’ (એએસએફ) નામના અર્ધલશ્કરી દળ વચ્ચેના સંઘર્ષને કારણે આ હિંસા થઈ છે.