નવીદિલ્હી,આફ્રિકી દેશ સુદાનમાં ચાલી રહેલા સંધર્ષમાં એક ભારતીયનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ જાણકારી આપી. મંત્રાલય તરફથી કહેવાયું છે કે વ્યક્તિનો મૃતદેહ રાજધાની ખાર્તૂમમાં છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે સુદાનમાં સુરક્ષા સંબંધિત ગ્રાઉન્ડ સ્થિતિ ખુબ જ અસ્થિર અને પરિવર્તનશીલ બનેલી છે અને ભારતનો એવો સતત પ્રયત્ન છે કે પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં આવે. વિદેશ સચિવે કહ્યું કે હિંસાગ્રસ્ત સુદાનથી નાગરિકોને કાઢવા માટેના ભારતના અભિયાન ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધીમાં ૬૭૦ ભારતીયોને સ્વદેશ પહોંચાડવામાં આવ્યા છે.
વિનય ક્વાત્રાએ જણાવ્યું કે ૩૬૦ ભારતીય નાગરિકો બુધવારે રાતે સાઉદી અરેબિયાની ઉડાણથી ભારત આવ્યા જ્યારે ભારતીય વાયુસેનાના સી૧૭ વિમાનથી ૨૪૬ નાગરિકો મહારાષ્ટ્ર પહોંચ્યા છે. ક્વાત્રાએ જણાવ્યું કે સુદાનમં સુરક્ષા સંબંધિત ગ્રાઉન્ડ સ્તરે હાલાત ખુબ અસ્થિર છે. અમે સુદાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે તમામ પક્ષો સાથે સંપર્ક જાળવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારો અંદાજો છે કે લગભગ ૩૫૦૦ ભારતીય નાગરિકો અને લગભગ ૧૦૦૦ ભારતીય મૂળના લોકો (પીઓઆઈ) ત્યાં રહે છે. ક્વાત્રાએ કહ્યું કે જ્યાં લડાઈ ચાલુ છે ત્યાં સ્થિતિ ખુબ અસ્થિર અને પરિવર્તનશીલ છે. એટલે એ કહેવું મુશ્કેલ છે કે સુદાનમાં બંને પક્ષોમાંથી કોનો દબદબો આ ક્ષેત્રમાં છે. જો કે અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે તમામ સાથે સંપર્ક જાળવી રહ્યા છીએ.
વિદેશ સચિવે કહ્યું કે લગભગ ૧૭૦૦ થી ૨૦૦૦ નાગરિકો સંઘર્ષવાળા વિસ્તારમાંથી બહાર આવી ગયા છે. ક્વાત્રાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ મુજબ અમારો પૂરેપૂરો પ્રયત્ન છે કે જેટલા નાગરિકો સંઘર્ષવાળા વિસ્તારમાં ફસાયેલ છે તેમને જેમ બને તેમ જલદી સુરક્ષિત બહાર કાઢવામાં આવે અને ત્યારબાદ તેમને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
તેમણે એમ પણ કહ્યું કે સુદાનતી ભારતીયોને લાવવામાં સાઉદી અરબની સરકાર તરફથી શાનદાર સમર્થન મળી રહ્યું છે જેમાં વિભિન્ન પ્રકારની વ્યવસ્થા કરવાની સાથે સાથે પારગમનની પ્રક્રિયાઓને પૂરી કરવી પણ સામેલ છે. વિદેશ સચિવે જણાવ્યું કે ૨૫ એપ્રિલના રોજ આઈએનએસ સુમેધાથી ૨૭૮ નાગરિકો સુદાનથી નીકળીને જેદાહ પહોંચ્યા. આ દિવસે સી૧૩૦જે વિમાનની બે ઉડાણ ક્રમશ: ૧૨૧ અને ૧૩૫ નાગરિકોને લઈને નીકળી હતી.