
બેંગ્લોર,આ દિવસોમાં સૂડાનમાં સ્થિતી ખરાબ છે અને ગૃહ યુદ્ધ જેવી સ્થિતી છે. બીજી તરફ કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે કોંગ્રેસે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે કર્ણાટકની બીજેપી સરકાર સૂડાનમાં ફસાયેલા ૩૧ જેટલા આદીવાસીઓને બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી નથી કર રહી. હવે આ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. રિપોર્ટ અનુસાર અહીં કર્ણાટકના ૩૧ આદિવાસીઓ હિંસા પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા છે.ત્યારે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસે આ મુદ્દાને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની ટીકા કરી છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે, સૂડાનમાં ફસાયેલા કર્ણાટકના ૩૧ આદિવાસીઓને બહાર કાઢવા માટે સરકારે હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરી નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને ગૃહ યુદ્ધમાં ફસાયેલા હક્કી પિક્કી જાતિના કર્ણાટકના ૩૧ લોકોની સલામત પરત સુનિશ્ર્ચિત કરવા વિનંતી કરી છે.
બીજી તરફ કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલય આદિવાસીઓની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર ન નીકળવા અને દેશમાં ભારતીય દૂતાવાસની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરાઈ છે.
અહીં તમને જણાવી દઈએ કે, હક્કી પિક્કી આદિજાતિના ૩૧ લોકો હિંસાગ્રસ્ત સૂડાનમાં ફસાયા છે. આ કર્ણાટકની અર્ધ-વિચરતી આદિવાસી જાતિ છે. ગયા અઠવાડિયે સંઘર્ષ શરૂ થયા બાદ હાલ ખાદ્ય પુરવઠાની અછતના પણ અહેવાલો આવી રહ્યા છે.